ગીર સોમનાથમાંથી અંદાજે ચાર કરોડની કિંમતનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો

સૌરાષ્ટ્રના દરિયાકિનારેથી વધુ એક વખત ડ્રગ્સનો જથ્થો ઝડપાતા ચકચાર મચી ગઈ છે. ગીર સોમનાથના ધામલેજ દરિયાકિનારેથી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. . પ્રથામિક તપાસમાં આ ડ્રગ્સ ચરસ હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. દરિયાકિનારેથી મળેલા આ ચરસની કિંમત અંદાજે ચાર કરોડ રુપિયા હોવાનું અનુમાન છે.

આ બનાવની વિગત મુજબ એસઓજીઅને પેટ્રોલિંગ અધિકારીઓએ માહિતીને આધારે આ રેડ પાડી હતી. જેમાં દરિયા કિનારે પેટ્રોલિંગ દરમિયાન ચરસના ૯ પેકેટ મળી આવ્યા હતા. ચરસનો આ જથ્થો મળી આવ્યા બાદ એફએસએલની મદદ લેવામાં આવી પહી છે. હાલમાં અધિકારીઓ ચરસનો આ જથ્થો ક્યાંથી આવ્યો અને કોને ડિલીવરી કરવાની હતી તે અંગે ઝીણવટભરી તપાસ ચાલી રહી છે.

મળતી માહિતી અનુસાર, સૂત્રાપાડાના ધામળેજ ગામે દરિયા કિનારે બિનવારસી હાલતમાં નવ પેકેટ પડ્યાં હોવાની માહિતી મળતાં એસઓજીની ટીમ ઘટના સ્થળ પહોંચી હતી. આ પેકેટનું એફએસએલ અધિકારી પાસે પરિક્ષણ કરાવતાં ચરસ હોવાનો સામે આવ્યું હતું. જે કુલ ૧૦.૬૦૦ કિલોગ્રામ ચરસનો જથ્થો હતો. તેની આંતરરાષ્ટ્રિય બજાર કિંમત ૫.૩૦ કરોડ રૂપિયા હોવાનું સામે આવ્યું છે. એસઓજીના સૂત્રોએ જણાવ્યું કે, ચરસનો આ જથ્થો દરિયામાંથી તરીને કિનારે પહોંચ્યો હતો. ચરસ ઉપર અફઘાનિસ્તાનનું પેકિંગ છે. આ ચરસનો જથ્થો ખરેખર દરિયા કિનારે કઈ રીતે પહોંચ્યો તે અંગે તપાસ કરવામાં આવી રહી છે.

સૌરાષ્ટ્રના દરિયા કિનારે કરોડો રૂપિયાના ડ્રગ્સ મળવાનો સિલસિલો ચાલુ રહેતાં ચર્ચા જાગી છે. માત્ર ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા અઢી વર્ષ દરમિયાન ૩૮૦ કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડાયું છે. છેલ્લા અઢી વર્ષ દરમિયાન માદક પદાર્થોનાં કુલ ૧૯ કેસ કરવામાં આવ્યા છે. જેમાં કુલ ૩૮૦ કરોડ રૂપિયાનું જે ડ્રગ્સ પકડાયું છે, તેમાંથી એકજ કેસમાં ૩૫૦ કરોડ રૂપિયાનું ડ્રગ્સ મળ્યું હતું. અત્યાર સુધીમાં અંદાજે ૨૫ કરોડ રૂપિયાનું ડ્રગ્સ બિનવારસી હાલતમાં પકડાયું છે.