અમદાવાદમાંથી ફરી એક વાર ડ્રગ્સ ઝડપાયું છે. ઇસનપુર વિસ્તારમાંથી એસઓજીએ લાખો રૂપિયાની કિંમતના એમડી ડ્રગ્સ સાથે મહિલા સહિત બે લોકોની ધરપકડ કરી છે. પતિ કોઈ કામ ધંધો કરતો ન હોય ઘર ચલાવવા માટે પત્ની ડ્રગ્સના કારોબાર સાથે જોડાયા હોવાનું ખૂલ્યું છે. મહિલાને ડ્રગ્સનો જથ્થો પૂરો પાડવામાં અન્ય એક મહિલાનું જ નામ સામે આવ્યું છે. અમદાવાદ શહેર એસઓજીની ગિરફતમાં દેખાતા આ બંને આરોપીઓના નામ શાહીનબાનુ સૈયદ અને આમિર ખાન પઠાણ છે. આ બંને આરોપીઓની ડ્રગ્સ સાથે ધરપકડ કરવામાં આવી છે.
એસઓજી ની ટીમને મળેલી બાતમી ના આધારે ઇસનપુરમાં આવેલા અમજા ફ્લેટમાંથી આ બંને આરોપીઓને ડ્રગ્સ ના જથ્થા સાથે પકડવામાં આવ્યા છે. એસઓજી એ દરોડા કરતા ઘરમા તપાસ કરતા ૬.૪૭ લાખથી વધુની કિંમતનો ૬૪ ગ્રામ ૭૯૦ મીલી ગ્રામ એમ.ડી ડ્રગ્સ મળી આવ્યું હતું. જેથી આ મામલે એસઓજીએ એનડીપીએસનો ગુનો દાખલ કરી બંનેની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે.
એસઓજી દ્વારા પકડાયેલા આરોપીઓની પૂછપરછ કરતાં સામે આવ્યું કે પકડાયેલી મહિલા શાહીનબાનુ સૈયદ નો પતિ કોઈ કામ ધંધો કરતો ન હોય બેકાર હોવાથી અને તેને ઘર ચલાવવા માટે પૈસાની જરૂર હોવાથી ડ્રગ્સ વેચવાનું શરૂ કર્યું હતું. એક વર્ષ પહેલા તેની મુલાકાત રામોલમાં રહેતી સીરીનબાનુ શેખ થઈ હતી. તેણે આ આરોપીને ટુકડે ટુકડે ડ્રગ્સ આપવાનું શરૂ કર્યું હતું. શાહીનબાનુ સૈયદ પોતાના ઘરમાંથી જ ડ્રગ્સનું વેચાણ કરતી હતી અને જે ગ્રાહકોને ડિલિવરી જોઈતી હોય તેઓને પકડાયેલા અન્ય આરોપી આમીરખાન પઠાણ મારફતે ડ્રગ્સ પહોંચાદવતી હતી. આમિર ખાન પઠાણ પોતે પણ ડ્રગ્સની બંધાણી હતો એક ડિલિવરી પર ૨૦૦- ૩૦૦ રૂપિયા લઈને ડ્રગ્સની ડીલીવરી કરતો હતો.
આ મામલે ઝડપાયેલી મહિલા છેલ્લા એક વર્ષથી ડ્રગ્સનું વેચાણ કરતી હોવાનું સામે આવ્યું છે. આ ગુનામાં ફરાર સિરીનબાનુ શેખ જ્યારે જરૂર પડે ત્યારે એકટીવા પર આવીને આ મહિલાને ડ્રગ્સ આપી જતી હતી. આવી રીતે અત્યાર સુધીમાં સાતથી આઠ વખત પકડાયેલા આરોપીએ ડ્રગ્સની ડિલિવરી મેળવી અને વેચાણ કર્યું છે.એસઓજીએ વધુ તપાસ કરતા સામે આવ્યું કે ફરાર સીરિનબાનુ શેખનો પતિ અકબર ખાન અગાઉ એસઓજીના હાથે જ ડ્રગ્સના કેસમાં જ ઝડપાયો હતો અને તે છેલ્લા ઘણા મહિનાઓથી જેલમાં બંધ છે. તેવામાં આ ગુનામાં ફરાર મહિલાની શોધખોળ હાથ ધરવામાં આવી છે.