- કોંગ્રેસના સભ્ય અર્જુનસિંહ પઢિયારે જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં ઉગ્ર રજૂઆત કરી સમગ્ર મામલે તટસ્થ તપાસ થાય તેવી માંગ કરી
વડોદરા જિલ્લા પંચાયતના શિક્ષણ વિભાગના અધિકારીઓ પર પુરવણી કૌભાંડ કર્યા હોવાનો આક્ષેપ થતાં હડકંપ મચી જવા પામ્યો છે. કોંગ્રેસે સામાન્ય સભામાં પુરાવા સાથે આક્ષેપ કરતા ડીડીઓ દ્વારા તપાસ સમિતિ બનાવી તપાસ શરૂ કરાવતાં શિક્ષણ વિભાગના અધિકારીઓમાં ફફડાટ ફેલાયો છે. કેવી રીતે પુરવણી કૌભાંડ આચર્યું તે જુવો અમારા રિપોર્ટમાં.
વડોદરા જિલ્લા પંચાયતમાં આવતી શાળાઓમાં પરીક્ષા દરમિયાન આપવામાં આવતી પૂરવણીમાં મોટું કૌભાડ થયું હોવાની શંકા સેવાઈ રહી છે. વર્ષ ૨૦૨૩- ૨૪માં ૯૨૯૫૭ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી ત્યારે પુરવણીનો ખર્ચ ૬૯,૪૭,૪૬૯ રૂપિયા થયો હતો અને આ વર્ષે બે વિદ્યાર્થીઓના વધવા છતા ૨૯,૭૭,૦૯૬ રૂપિયાનો જ ખર્ચ થયો છે ત્યારે આગળના વર્ષ ૨૨ – ૨૩માં પણ આજ પ્રકારે ૬૮,૪૦,૮૦૪ રૂપિયાનો ખર્ચ થયો હતો. આ અગાઉના વર્ષો કરતા પુરવણી ખર્ચમાં ૪૦ લાખનો તફાવત આવતા કૌભાંડ કરાયું હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસના સભ્ય અર્જુનસિંહ પઢિયારે જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં ઉગ્ર રજૂઆત કરી સમગ્ર મામલે તટસ્થ તપાસ થાય તેવી માંગ કરી છે.
ક્યા વર્ષમાં પુરવણી પાછળ કેટલો ખર્ચ થયો ?
વર્ષ વિધાર્થીઓ ખર્ચ
2019-20 – 91886 – 7,21,703
2020-21 – 92412- 14,75,941
2021-22- 93114- 25,30,104
2022-23-92584-68,40,806
2023-24- 92957-69,47,469
2024-25-92959-29,77,096
વિપક્ષની રજૂઆતને ધ્યાને લઇ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે. જિલ્લા વિકાસ અધિકારીએ ત્રણ સભ્યોની એક કમિટી બનાવી છે, જેમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી પંચાયત, હિસાબી અધિકારી અને ચિટનીશનો સમાવેશ કર્યો છે. તપાસ સમિતિને એક મહિનામાં રિપોર્ટ આપવાનો પણ આદેશ કર્યો છે, સાથે જ તપાસ બાદ જે અધિકારી ક્સૂરવાર હશે તેમની સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી પણ આપી છે. બીજી તરફ ભાજપ સરકારના શાસનમાં કૌભાંડના આક્ષેપ થતા તરત જ જિલ્લા પ્રમુખ ગાયત્રીબા મહિડા દ્વારા પણ આ બાબતે અધિકારીઓને તપાસ માટે સૂચન કરવામાં આવ્યું અને આમાં જે કોઈ જવાબદાર વ્યક્તિ હશે તેની સામે ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.
મહત્વની વાત છે કે સરકાર વિદ્યાર્થીઓ ભણે અને આગળ વધે એ માટે કરોડો રૂપિયા ગ્રાન્ટ આપે છે ત્યારે કેટલાક અધિકારીઓ અને નેતાઓ આ પ્રકારની મીલીભગત કરી કૌભાડ આચરતા સમગ્ર જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો છે, ત્યારે હવે સરકાર કૌભાડમાં સંડોવાયેલા અધિકારીઓ અથવા પદાધિકારીઓ સામે કાર્યવાહી કરશે કે પછી બચાવશે તે જોવું રહ્યું.