દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત, કેરળ, હિમાચલ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદના પગલે ભૂસ્ખલનની ઘટનાઓ

દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત છે. કેરળ, હિમાચલ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદના પગલે ભૂસ્ખલનની ઘટનાઓ બની છે. જેના કારણે જાનમાલનું મોટું નુક્સાન થયું છે. હિમાચલની જેમ ઉત્તરાખંડમાં પણ સ્થિતિ ગંભીર છે. ટિહરી અને કેદારનાથના ભીમબલીમાં વાદળ ફાટવાના કારણે ભારે તબાહી મચી છે.

હિમાચલમાં વાદળ ફાટવાથી મંડી, શિમલા, કુલ્લુમાં ભારે તારાજી સર્જાઈ છે. આ જિલ્લાઓમાં અનેક મકાનો, શાળાઓ, હોસ્પિટલોને નુક્સાન થયું છે. આ ઉપરાંત શિમલાના રામપુરના ઝાકરીમાં વાદળ ફાટ્યા પછી પૂરની સ્થિતિ સર્જાઈ હતી. જેના કારણે ૨૨ લોકો ગુમ થયા છે. આ ઉપરાંત મંડીના રાજવાન ગામમાં વાદળ ફાટવાથી પૂર આવ્યું હતું. આ ત્રણેય જિલ્લામાં રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર, હિમાચલ માટે હજુ ત્રણ વધુ ભારે દિવસો છે. રાજ્યમાં ઘણી જગ્યાએ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. જેમાં કાંગડા, કુલ્લુ, મંડી, શિમલા, ચંબા અને સિરમૌરમાં ભારેથી અતિભારે વરસદા પડી શકે છે. હવામાન વિભાગે આગામી ત્રણ દિવસમાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલન અને કાચા મકાનોને નુક્સાન થવાની આશંકા વ્યક્ત કરી છે.

હિમાચલ પ્રદેશમાં બુધવારે મયરાત્રિએ છ જગ્યાએ વાદળ ફાટવાથી ભારે વિનાશ થયો હતો. આ પ્રલયમાં અત્યાર સુધીમાં સાત લોકોના મોત થયા છે, જેમના મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે ૪૬ લોકો ગુમ છે. સમેજમાં ૩૬, મંડીના બાગીપુલ અને રાજબનમાં પાંચ-પાંચ લોકો ગુમ છે. શુક્રવારે ચૌહર ઘાટીના રાજબનમાં સર્ચ ઓપરેશન દરમિયાન વધુ બે મૃતદેહ મળી આવ્યા હતા. અત્યાર સુધીમાં કુલ પાંચ મૃતદેહો મળી આવ્યા છે.

પાંચ હજુ પણ ગુમ છે. નોંધનીય છે કે બુધવારે રાત્રે કુલ્લુ જિલ્લાના નૈન સરોવર, ભીમદ્વારી, મલાના, મંડીમાં રાજબન, ચંબાના રાજનગર અને લાહૌલમાં જહાલમામાં વાદળ ફાટ્યા હતા. વાદળ ફાટવાના કારણે ૪૭ મકાનો, ૧૦ દુકાનો, ૧૭ પુલ, ત્રણ શાળા, એક દવાખાનું, એક બસ સ્ટેન્ડ, ૩૦ વાહનો, બે પાવર પ્રોજેક્ટ અને એક ડેમ ધોવાઈ ગયા હતા. બીજી તરફ શ્રીખંડ મહાદેવ માર્ગ પર ભીમદ્વારીમાં લગભગ ૨૫૦ લોકો ફસાયેલા છે. આ લોકો પ્રવાસે નીકળ્યા હતા.રાજ્યના મુખ્ય પ્રધાન સુખવિંદર સિંહ સુખુ શુક્રવારે બપોરે શિક્ષણ પ્રધાન રોહિત ઠાકુર અને રામપુરના ધારાસભ્ય રામપુર નંદ લાલ સાથે સમેજ પહોંચ્યા હતા. આ દરમિયાન મુખ્યમંત્રીએ વાદળ ફાટવાને કારણે થયેલા નુક્સાનની સમીક્ષા કરી હતી.

તેમજ સ્થળ પર ચાલી રહેલા રાહત અને બચાવ કાર્યનું નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન ડીસી શિમલા અનુપમ કશ્યપ, ડીસી કુલ્લુ તોરુલ એસ રવીશ, એસપી શિમલા સંજીવ ગાંધી, એનડીઆરએફના અધિકારીઓ પણ હાજર હતા.કુલ્લુ જિલ્લાના નિર્મંડમાં નૈન સરોવર અને ભીમદ્વારીમાં એક સાથે વાદળ ફાટ્યું હતું. તેનું પાણી બાગીપુલ, સમેજ અને ગણવી તરફ આવ્યું અને ૩૦ કિમી સુધી ડાઉનસ્ટ્રીમ સુધી તબાહી મચાવી.

શિમલા-કુલુ બોર્ડર પર સમેજમાં કોતરમાં આવેલા પૂરમાં ૩૦ ઘરો ધોવાઈ ગયા છે. અહીં છ બાળકો સહિત ૩૬ લોકો ગુમ છે. તેમાં ચાર સ્થળાંતર કરનારા, ગ્રીનકો સમાજ પ્રોજેક્ટના સાત કર્મચારીઓ અને ૨૨ સ્થાનિક લોકોનો સમાવેશ થાય છે. પૂરમાં ૧૫૦ પશુઓ પણ વહી ગયા હતા. એક શાળા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને બે પાવર પ્રોજેક્ટનો નાશ થયો હતો. બીજી તરફ નિર્મંડના બાગીપુલમાં પૂરના કારણે ૧૦ દુકાનો, જીયાલાલનું રહેણાંક મકાન જેમાં હોટલ ચાલતી હતી, બે પટવારઘર, પાર્કના ૧૫ વાહનો, બસ સ્ટેન્ડ અને ૮ પુલ ધોવાઈ ગયા હતા.

જિયાલાલના પરિવારના પાંચ સભ્યો અને નેપાળ મૂળના બે વ્યક્તિઓ ગુમ છે. સાતમાંથી બેના મૃતદેહ મળી આવ્યા છે. તે જ સમયે, રામપુરના ગણવી ખાડમાં પૂરમાં પાંચ મકાનો, ત્રણ વાહનો અને એક પુલ ધોવાઈ ગયા હતા.વરસાદની એક રાતે આ ચોમાસાએ ગયા વર્ષની આફતના દ્રશ્યને તાજું કરી દીધું. રાજ્યમાં સાત કલાકમાં સામાન્ય કરતાં ૩૦૫ મીમી વધુ વરસાદ નોંધાયો છે. હવામાન કેન્દ્ર શિમલાએ ખરાબ હવામાનને જોતા મંગળવાર રાતથી રેડ એલર્ટ જાહેર કર્યું હતું. ભારે વરસાદને કારણે કુલ્લુ-મનાલી નેશનલ હાઈવે બંધ. આ સિવાય ભરમૌર-પઠાણકોટ દ્ગૐ સ્થગિત રહ્યું જ્યારે મંડી-ચંદીગઢ દ્ગૐ ૧૦ કલાક સુધી ખોરવાઈ ગયું. રાજ્યમાં કુલ ૪૫૫ રસ્તાઓ બંધ છે. ૪૯૫ બસ રૂટ રોકી દેવામાં આવ્યા છે. ૯૮૩ પીવાના પાણીની યોજના, ૧૭૮ ટ્રાન્સફોર્મર બંધ છે. બિયાસનું જળસ્તર વધતાં પંડોળ ડેમમાંથી પાણી છોડવું પડ્યું હતું. વિવિધ વિભાગોને ૨૧૫ કરોડનું નુક્સાન થયું છે.

મુખ્યમંત્રીએ કહ્યું કે સરકાર આજથી વરસાદના અંત સુધી ત્રણ મહિના માટે આપત્તિગ્રસ્ત લોકોને ઘર ભાડા તરીકે ૫,૦૦૦ રૂપિયા આપશે. ઉપરાંત ગેસ સિલિન્ડર પણ ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત અસરગ્રસ્ત લોકોને ઘરવપરાશની ચીજવસ્તુઓ ખરીદવા માટે ૫૦ હજાર રૂપિયા આપવામાં આવી રહ્યા છે. સીએમએ કહ્યું કે જો કે આ મદદ પીડિત લોકોના પરિવારોને પાછા નહીં લાવે, પરંતુ તે તેમના ઘાને મટાડવાનો પ્રયાસ છે. ટૂંક સમયમાં સરકાર આ પરિવારોને વસાવવા માટે રાહત પેકેજ આપશે. દરેક પરિવાર આપણું છે, તેને વસાવવાની ફરજ છે. બાળકોના શિક્ષણની જવાબદારી પણ સરકાર લેશે.

ઉત્તરાખંડના ટિહરી જિલ્લાના ઘનસાલીમાં વાદળ ફાટવાના કારણે બે લોકોના મોત થયા છે. જ્યારા કેદારનાથ પદયાત્રાના માર્ગ પર ભીમબલીના ગડેરામાં વાદળ ફાટ્યું હતું, જેના કારણે માર્ગમાં કાદવ-કીચડ જમા થઈ ગયો છે. જેના કારણે વાહનવ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે. ભીમબલીમાં ફસાયેલા ૨૦૦થી વધુ શ્રદ્ધાળુઓને સલામત સ્થળે રોક્યા હતા. ઉત્તરાખંડમાં ઘણી નદીઓમાં ઘોડાપૂર આવ્યું છે. રાજ્યભરમાં છેલ્લા ૨૪ કલાકમાં વરસાદ સંબંધિત અકસ્માતોમાં ૧૧ લોકોના મોત થયા છે. હવામાન વિભાગે અનુસાર, ઉત્તરાખંડના છ જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. ઉત્તરકાશી માટે ઓરેન્જ એલર્ટ અને અન્ય પાંચ રાજ્યો માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. ચમોલી, રૂદ્રપ્રયાગ, દેહરાદૂન, બાગેશ્ર્વર અને નૈનીતાલમાં ગાજવીજ સાથે ભારે વરસાદ થઈ શકે છે.