જયપુર બોમ્બ બ્લાસ્ટમાં આરોપીઓ સામે કેસ ચલાવવાની સુપ્રીમ કોર્ટે રાજસ્થાન સરકારની અરજીને સુનાવણી માટે મંજૂર કરી

૨૦૦૮ના જયપુર બોમ્બ બ્લાસ્ટ કેસમાં રાજસ્થાન સરકારને મોટી સફળતા મળી છે. સુપ્રીમ કોર્ટે રાજસ્થાન સરકારની અરજીને સુનાવણી માટે સ્વીકારી લીધી છે. હવે આરોપીઓ સામેનો કેસ સુપ્રીમ કોર્ટમાં ચાલશે. રાજસ્થાન સરકારે આ અરજીઓ મુખ્ય આરોપી સૈફુરરહમાન અંસારી અને શાહબાઝ હુસૈન વિરુદ્ધ દાખલ કરી છે. આરોપ છે કે આરોપીઓ વર્ષ ૨૦૦૮માં જયપુરમાં બનેલી ભયાનક ઘટના દરમિયાન બોમ્બ પ્લાન્ટ કરવામાં અને તેને અંજામ આપવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા હતા.

૧૩ મે ૨૦૦૮ના રોજ જયપુરમાં ૨૦ મિનિટની અંદર ૭ સ્થળોએ ૮ બોમ્બ વિસ્ફોટ થયા હતા. આ વિસ્ફોટોમાં ૭૧ લોકોના મોત થયા હતા અને ૨૦૦ લોકો ઘાયલ થયા હતા. આ કેસમાં સ્પેશિયલ કોર્ટે ડિસેમ્બર ૨૦૧૯માં ચાર લોકોને દોષિત ઠેરવ્યા હતા અને તેમને મૃત્યુદંડની સજા સંભળાવી હતી. કોર્ટે મોહમ્મદ સૈફ, મોહમ્મદ સરવર આઝમી, સૈફુર રહેમાન અને મોહમ્મદ સલમાનને બોમ્બ પ્લાન્ટ કરવા અને વિસ્ફોટ કરવા માટે દોષિત ઠેરવ્યા હતા. આ કેસમાં અન્ય એક આરોપી શાહબાઝ અહેમદ પર ઈ-મેલ મોકલીને વિસ્ફોટોની જવાબદારી લેવાનો આરોપ હતો, પરંતુ કોર્ટે તેને સગીર હોવાના આધાર પર નિર્દોષ જાહેર કર્યો હતો.

૨૯ માર્ચ, ૨૦૨૩ના રોજ રાજસ્થાન હાઈકોર્ટે નીચલી અદાલતના નિર્ણયો પર રોક લગાવી હતી અને ચારેય આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા. કોર્ટે પાંચમા આરોપીને નિર્દોષ છોડવાના નિર્ણયને પણ યથાવત રાખ્યો હતો. આરોપીઓને નિર્દોષ છોડવાનો ચુકાદો આપતા કોર્ટે કહ્યું હતું કે પોલીસની આતંકવાદ વિરોધી ટુકડી આ વિસ્ફોટમાં કાવતરું સાબિત કરવા માટે કોઈ પુરાવા રજૂ કરી શકી નથી અને કોઈ આધાર સાબિત કરી શકી નથી. કોર્ટે એમ પણ કહ્યું હતું કે આમાંના ઘણા પુરાવાઓ બનાવટી હોવાનું જણાય છે. કોર્ટે પોલીસ સામે તપાસનો આદેશ આપ્યો હતો.