ગોધરાના 20 છાત્રો બાંગ્લાદેશથી ભારત આવવા રવાના

બાંગ્લાદેશમાં નોકરીઓમાં આરક્ષણ નાબુદ કરવાની માંગને લઈને વિધાર્થીઓનુ આંદોલન હિંસક બનતા રમખાણો ફાટી નીકળ્યા બાદ બાંગ્લાદેશ ખાતે ગયેલ વિધાર્થીઓના વાલીઓ પણ ચિંતામાં મુકાયા હતા. હવે બાંગ્લાદેશ ખાતે સ્થિતિ સુધરી જવા પામેલ છે. હજુ અજંપાભરી શાંતિને લઈને બાંગ્લાદેશની કોલેજો સદંતર બંધ કરી દેતા વિધાર્થીઓ પરત ભારત આવી રહ્યા છે. જેમાં ગોધરાથી તબીબી અભ્યાસ અર્થે બાંગ્લાદેશ ખાતે ઢાકા તેમજ ચિતાંગો ખાતે વિધાર્થીઓ અભ્યાસ માટે ગયા હતા. બાંગ્લાદેશમાં રમખાણો બાદ હજુ સુધી કોલેજો કાર્યરત નહિ થતાં દરેક વિધાર્થીઓએ ભારત પરત ફરવાનો નિર્ણય લીધો છે. ગોધરાના 20 થી વધુ વિધાર્થીઓ પણ બાંગ્લાદેશથી પરત ગોધરા આવવા નીકળ્યા છે. જેઓ ભારત એરપોર્ટ ખાતે આવી પહોંચશે અને ત્યાંથી ગોધરા આવશે. જયારે બાંગ્લાદેશ ખાતેથી કોલેજ દ્વારા જાણ કરવામાં આવશે ત્યારે પાછા અભ્યાસ અર્થે બાંગ્લાદેશ પરત ફરશે.