ગોધરા સિટી સર્વે કચેરીમાં ગાંધીનગરની ટીમની તપાસમાં 3500 પ્રોપર્ટી કાર્ડની ગેરરિતની શંકા

ગોધરા સિટી સર્વે કચેરીમાં પ્રોપર્ટી કાર્ડ ઈશ્યુ કરવામાં ભ્રષ્ટાચાર કરાયો હોવાની રજુઆત બાદ ગાંધીનગરની ટીમે ત્રણ દિવસ તપાસ કરી 3500 પ્રોપર્ટી કાર્ડ નિયમસરની પ્રક્રિયાને અનુસર્યા વિના બનાવાયા હોવાનુ સામે આવતા તપાસ ટીમ તમામ દસ્તાવેજો જપ્ત કરી પોતાની સાથે લઈ ગઈ હોવાનુ જાણવા મળેલ છે.

ગોધરા સિટી સર્વે કચેરીમાં પૈસા વગર કામો થતાં નહિ હોવાની અનેક ફરિયાદો થતી રહી છે. કચેરી દ્વારા મિલ્કત ધારકોના બનાવાયેલા કેટલાક પ્રોપર્ટી કાર્ડ સરકારી નિયમો અને પ્રક્રિયાને અનુસર્યા વિના બનાવાયા હોવાની ચર્ચા વચ્ચે ગાંધીનગર વડી કચેરીને આ બાબતે થયેલી રજુઆતના પગલે ગાંધીનગરની ટીમ તપાસ માટે ગોધરા કચેરી ખાતે આવી હતી. આ ટીમે અગાઉના વર્ષોમાં ઈશ્યુ થયેલા પ્રોપર્ટી કાર્ડની તપાસ હાથ ધરી હતી. જેમાં 3500 જેટલા પ્રોપર્ટી કાર્ડ નિયમસરની પ્રક્રિયાને અનુસર્યા વિના ઈશ્યુ થયા હોવાનુ ઘ્યાને આવતા કચેરીના અધિકારીઓ હવે એકબીજા પર જવાબદારી ઢોળી રહ્યા છે. જે બાદ ગાંધીનગરની ટીમ આ તમામ પ્રોપર્ટી કાર્ડ સહિતના દસ્તાવેજો પોતાની સાથે લઈ ગઈ છે. જેની તપાસ રિપોર્ટ ચાર દિવસમાં આવ્યા બાદ જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરાશે તેમ ગોધરા કચેરીના ઈન્ચાર્જ અધિકારીને જણાવ્યુ હતુ.