ગોધરામાં ચેકડેમમાં થેલીઓ ધોવા ગયેલી બે યુવતીના ડૂબી જતા મોત : ફાયર બ્રિગેડે આવવા રૂ.1500 માંગ્યાનો પરિવારનો આક્ષેપ

ગોધરા તાલુકાના પોપટપુરા અને નાદરખા ગામ પાસે આવેલ બાપોઈ નદીના ચેકડેમમાં સિમેન્ટની થેલીઓ ધોવા માટે ત્રણ પિતરાઈ બહેનો ગઈ હતી. ત્યારે આકસ્મિક રીતે એક યુવતી ચેકડેમમાં ડૂબવા લાગતી તેને બચાવવા જતા એક બાદ એક એમ ત્રણેય બહેનો પાણીમાં ડૂબવા લાગી હતી. જેની જાણ ગ્રામજનોને થતા ઘટનાસ્થળે દોડી ગયા હતા, જ્યાં એક યુવતીનો આબાદ બચાવ થયો હતો. જ્યાંરે અન્ય બે યુવતીનું ડૂબા જવાથી મૃત્યુ નીપજ્યું હતું. આ સાથે ગોધરા ફાયર બ્રિગેડ દ્વારા બચાવ કામગીરી માટે આવવા 1500 રૂપિયાની માંગણી કરી હોવાનો આક્ષેપ પરિવારના લોકોએ કર્યો હતો. આ બાબતે ગોધરા ફાયર બ્રિગેડ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, 108 એમ્બ્યુલન્સમાંથી કોલ આવ્યો હતો અને અમે નિયમ પ્રમાણેનો ચાર્જ આપવા જણાવ્યું હતું.

બહેનને બચાવવા જતા બે બહેનો પણ ડૂબી
આ અંગેની પ્રાપ્ત થતી માહિતી મુજબ ગઈકાલે બપોરના સુમારે ચેતના રાઠવા (ઉં.વ.19), આરાધના રાઠવા (ઉં.વ.17), તેમજ નીતા રાઠવા (ઉં.વ.17) આ ત્રણેય પિતરાઈ બહેનો છાપરાની નજીકમાં આવેલ પોપટપુરા અને નાદરખાની વચ્ચે આવેલા બાપોઈ નદીના ચેકડેમમાં સિમેન્ટની થેલીઓ ધોવા માટે ગઈ હતી. જેમાં સિમેન્ટની થેલીઓ ધોતા ધોતા એક બાદ એક એમ ત્રણેય બહેનો પાણીમાં ડૂબવા લાગી હતી. જેની જાણ આજુબાજુમાં રહેતા લોકોને થતા યુવતીના પરિવારને જાણ કરી હતી. જેથી પરિવારના સભ્યો ઘટનાસ્થળે દોડી આવી એક ભાઈએ નદીમાં છલાંગ લગાવી નીતા રાઠવાને બચાવી લીધી હતી. જ્યાંરે અન્ય બે પિતરાઈ બહેનો પાણીમાં ગરકાવ થઈ જતા શોધખોળ હાથધરી હતી. જેમાં શોધખોળ બાદ બન્ને બહેનોનો મૃતદેહ મળી આવતા પરિવારમાં શોક છવાયો હતો. બનાવ અંગે ગોધરા તાલુકા પોલીસને જાણ થતા ઘટનાસ્થળે દોડી આવી હતી.

પરિવારજનોએ ફાયર બ્રિગેડ પર આક્ષેપો કર્યા
બચુભાઈ રાઠવાએ ફાયર બ્રિગેડ પર આક્ષેપો કરતા જણાવ્યું કે, અમે ગોધરા ફાયર બ્રિગેડને પણ જાણ કરી હતી કે અમારી બે દીકરીઓ પાણીમાં ડૂબી ગઈ છે, તેમને બચાવવા માટે તાત્કાલિક આવો. પરંતુ ફાયર બ્રિગેડ વાળાએ અમારી પાસે 1500 રૂપિયાની માંગણી કરી હતી અને કહ્યું કે, પહેલા 1500 રૂપિયા ભરો ત્યારબાદ અમે બચાવવા માટે આવીએ. વધુમાં મૃતકના પિતા અને કાકા જણાવ્યું કે, ફાયર બિગેડની લાપરવાહી ના કારણે આજે અમે અમારી દીકરીઓ ગુમાવી છે.

અમે સરકારના નિયમ પ્રમાણે ચાર્જ માંગ્યો: ફાયર કર્મી
આ આક્ષેપો અંગે ગોધરા ફાયર ઇન્સ્પેક્ટર પી.એફ.સોલંકી સાથે વાત કરતા જણાવ્યું હતું કે, ડૂબી ગયેલ બે યુવતી બાબતે 108 એમ્બ્યુલન્સમાંથી ગોધરા ફાયર બ્રિગેડને કોલ આવેલ હતો. જે સંદર્ભે અમે ગોધરાથી પોપટપુરા આવવાનો નિયમ મુજબ ચાર્જ થશેનું જણાવ્યું હતું. જેથી 108 એમ્બ્યુલન્સના કર્મીએ સામે વાળા વ્યક્તિ પાસે વાત કરી હતી. ત્યારબાદ ફાયર બ્રિગેડના જવાન ઘટનાસ્થળે પહોંચવાની તૈયારી કરી રહ્યાં હતા, ત્યારે સામેથી ફોન કરી કહી દીધું કે છોકરીઓને પાણીમાંથી કાઢી લીધેલ છે.