- માતાના પાલ્લા ગામના ખેડૂતે અન્ય ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવાની હાકલ કરી.
- પ્રાકૃતિક ખેતી અપનાવી અન્ય ખેડૂતો માટે ઉદાહરણરૂપ બન્યા પટેલ રાજુભાઈ.
દાહોદ જીલ્લાના સીંગવડ તાલુકાના માતાના પાલ્લા ગામના ખેડૂત પટેલ રાજુભાઈ પોતે તો પ્રાકૃતિક ખેતી અપનાવી રહ્યા છે, પરંતુ સાથોસાથ અન્ય ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતી અપનાવી કુદરતી ખેતીના લાભ લેવા પ્રોત્સાહન આપી રહ્યા છે.
પ્રગતિશીલ ખેડૂત રાજુભાઈ પટેલ સમયાંતરે પ્રાકૃતિક ખેતીને ધ્યાને રાખી તાલીમ યોજીને અન્ય ખેડૂતોને બીજામૃત, બીજની સારવાર અને માવજત કઈ રીતે કરવી તેમજ તેનાથી થતા ફાયદાઓ વિશે સમજણ આપી રહ્યા છે.
તેમનું કહેવું હતું કે, બીજની માવજતથી અંકુરણ વધુ સારી રીતે થાય છે અને બીજ અને જમીન જન્ય રોગોને અટકાવે છે. પરિણામે સ્વસ્થ અને ઉચ્ચ ગુણવતાયુક્ત ઉપજ પાકે છે. તે અંકુરિત થતા બીજ અને રોપાઓને જીવાતો અને રોગો સામે રક્ષણ આપે છે. જે ઓછી ભેજવાળી અને પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં પાકને પોષણ અને ભેજ આપવાનું કામ કરી ટકાવી રાખે છે.
વધુમાં બીજામૃતનો ઉપયોગ પ્રાકૃતિક ખેતી પદ્ધતિમાં કઈ રીતે કરવો એ વિશે પ્રેક્ટિકલ સાથે ખેડૂતોને જાણકારી આપીને તમામ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની સરળતા અને સફળતાની વાત કરી હતી.
બીજામૃતથી બીજને પટ આપવો ખૂબ જ જરૂરી છે. પ્રાકૃતિક ખેતીમાં બીજામૃતનો ઉપયોગ થાય છે અને શ્રેષ્ઠ પરિણામો મેળવી શકાય છે. પ્રાકૃતિક ખેતી અપનાવવાથી પોતાને જે કઈ ફાયદા થયા તે અન્ય ખેડૂતોને પણ મળે, ખેડૂતો જાગૃત થઇ કુદરતી ખેતી તરફ વળે તે માટે તેઓ પોતાનો સમય એ લોકો માટે ફાળવી પોતાનો અનુભવ પણ રજૂ કરી રહ્યા છે.