જે લોકો ૨૦૨૭ની ચૂંટણીમાં તોડફોડ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે તેનો અમે સફાયો કરીશું,મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ

  • અમારા પ્રયાસોનું પરિણામ છે કે આજે યુપીની અર્થવ્યવસ્થા દેશમાં બીજા સ્થાને છે. રાજ્યમાં માથાદીઠ આવકમાં પણ વધારો થયો છે

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે યુપી વિધાનસભામાં સપા-કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે આ લોકોએ દેશની જનતા સાથે છેતરપિંડી કરી છે. આ લોકોએ બંધારણ બદલવાની વાતો કરીને જનતાને ગેરમાર્ગે દોર્યા છે પણ લાકડાનું વાસણ વારંવાર ઉકળતું નથી. જે લોકો ૨૦૨૭ની ચૂંટણીમાં તોડફોડ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે તેનો અમે સફાયો કરીશું. મુખ્યમંત્રી યોગીએ કહ્યું કે કેન્દ્રમાં મોદી સરકારને ૧૦ વર્ષ થઈ ગયા છે પરંતુ આજ સુધી બંધારણ બદલાયું નથી. સપા-કોંગ્રેસે રાજ્યની જનતાને ગેરમાર્ગે દોર્યા છે. કોંગ્રેસે ઈમરજન્સી લાદી દેશની લોકશાહીને કચડી નાખી હતી.

આજે સપાના લોકો સાથે કામ કરીને બંધારણ બચાવવાની વાત કરી રહ્યા છે. આનો જવાબ ૨૦૨૭માં મળી જશે. મુખ્યમંત્રીએ વિધાનસભાને સંબોધિત કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે ગૃહમાં રજૂ કરાયેલા રૂ. ૧૨ હજાર ૨૦૯ કરોડના પૂરક બજેટની ચર્ચા કરી હતી અને રાજ્ય સરકારની વિકાસ યોજનાઓનું વિગતવાર વર્ણન કર્યું હતું. તેમણે કહ્યું કે આ બજેટ યુપીના સપના પૂરા કરવા માટે જરૂરી છે. આ વર્ષે રજૂ કરાયેલા મૂળ બજેટના ૪૦ ટકા વિવિધ વિભાગોને ફાળવવામાં આવ્યા છે. તે જ સમયે, ૨૦ ટકા ખર્ચ થઈ ચૂક્યો છે.

મુખ્યમંત્રી યોગીએ કહ્યું કે અમારા પ્રયાસોનું પરિણામ છે કે આજે યુપીની અર્થવ્યવસ્થા દેશમાં બીજા સ્થાને છે. રાજ્યમાં માથાદીઠ આવકમાં પણ વધારો થયો છે અને દેશની અર્થવ્યવસ્થાને વધારવામાં પણ રાજ્ય મદદરૂપ બન્યું છે. ૨૦૧૭ પહેલા રાજ્ય ઓળખ સંકટનો સામનો કરી રહ્યું હતું પરંતુ હવે રાજ્ય રોકાણકારોની પ્રથમ પસંદગી બની ગયું છે. ઉત્તર પ્રદેશમાં રોકાણનું વાતાવરણ ઊભું થયું છે, તેથી જ રાજ્યમાં ૪૦ લાખ કરોડ રૂપિયાના રોકાણની દરખાસ્તો મળી છે, જેમાંથી અમે ૧૬ થી ૨૦ લાખ કરોડ રૂપિયાનું રોકાણ જમીન પર લાવવામાં સફળ રહ્યા છીએ. આ સાથે રાજ્યમાં સાત લાખ યુવાનો રોજગાર સાથે જોડાયેલા છે.

તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વએ નવું ભારત બતાવ્યું છે. છેલ્લા ૧૦ વર્ષમાં દેશની માથાદીઠ આવક અને જીડીપીમાં વધારો થયો છે. ૨૦૧૪ પહેલા ભારત વિશ્ર્વની ૧૦મી સૌથી મોટી અર્થવ્યવસ્થા હતી, જે હવે વિશ્ર્વમાં પાંચમા સ્થાને આવી ગઈ છે. આગામી ત્રણ વર્ષમાં ભારત વિશ્ર્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે. અમે એક એક્શન પ્લાન પર સતત કામ કરી રહ્યા છીએ જેથી કરીને દેશના અર્થતંત્રના વિકાસમાં ઉત્તર પ્રદેશનો મોટો ફાળો રહે. અમારું માનવું છે કે ભારત વિશ્ર્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવામાં યુપીનો મોટો ફાળો રહેશે.

મુખ્યમંત્રી યોગીએ કાયદો અને વ્યવસ્થાના મુદ્દે પણ સપા પર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે અયોયામાં ૧૨ વર્ષની બાળકી પર બળાત્કારના કેસમાં મોઇદ ખાનની ધરપકડ કરવામાં આવી છે. આવા લોકોને ભોગવવું પડશે મુખ્યમંત્રીએ કહ્યું કે હું અહીં નોકરી કરવા આવ્યો નથી કે પ્રતિષ્ઠા માટે આવ્યો નથી. આ મઠની આના કરતાં વધુ પ્રતિષ્ઠા હતી. ગુના કરનારાઓને બક્ષવામાં આવશે નહીં.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે યુવાનોની ઊર્જાને વેડફવા દેવામાં આવશે નહીં. તેમણે કહ્યું કે આ મહિનાના અંતમાં ૬૦ હજાર પદો માટે કોન્સ્ટેબલની ભરતીની પરીક્ષા ૧૦ તબક્કામાં લેવામાં આવી રહી છે. પરીક્ષા પારદર્શક રહેશે. યુવાનોના ભવિષ્ય સાથે અમે કોઈને રમવા નહીં દઈએ. પેપર લીક કરનારાઓને બક્ષવામાં આવશે નહીં અને તેમને સખતમાં સખત સજા કરવામાં આવશે.

ગુરુવારે વિધાન પરિષદમાં પ્રશ્ર્નકાળ સાથે ગૃહની કાર્યવાહી શરૂ થઈ હતી. કાર્યવાહી દરમિયાન વિપક્ષી સભ્યોએ હોબાળો પણ કર્યો હતો. સપા ધારાસભ્ય શિવપાલ સિંહ યાદવે પણ હરિશંકર તિવારીનો મુદ્દો વિધાનસભામાં ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે જિલ્લા પ્રશાસને ગોરખપુરમાં પ્રતિમા માટે જે પાયો બનાવવામાં આવી રહ્યો છે તેને તોડી પાડ્યો. આ અંગે સપા સભ્યોએ હોબાળો મચાવ્યો હતો.

ઉત્તર પ્રદેશ વિધાનસભામાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું ઉગ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું. સીએમ યોગીએ કહ્યું કે હું અહીં નોકરી કરવા નથી આવ્યો, જો મને પ્રતિષ્ઠા જોઈતી હોત તો મઠમાં જ મળી હોત. મુખ્યમંત્રીએ કહ્યું કે જે લોકો રાજ્યની દીકરીઓ અને ઉદ્યોગપતિઓની સુરક્ષા સાથે ચેડા કરશે તેમની સામે પગલાં લેવાની જવાબદારી મારી છે. હું અહીં નોકરી કરવા આવ્યો નથી. હું અહીં આવ્યો છું કે જો કોઈ ખોટું કરે તો તેને ભોગવવું પડે. અમારી આ લડાઈ પ્રતિષ્ઠાની લડાઈ નથી.

સીએમ યોગીએ કહ્યું કે ગઈકાલની ગોમતીનગર ઘટનાની યાદી મારી પાસે આવી છે સીએમએ કહ્યું કે પહેલો આરોપી પવન યાદવ અને બીજો મોહમ્મદ શબાઝ છે. આ લોકો માટે ’બુલેટ ટ્રેન’ દોડશે. યોગી આદિત્યનાથે કહ્યું કે મહિલાઓની સુરક્ષા સરકારની પ્રાથમિક્તા છે. મુખ્યમંત્રીએ કહ્યું કે પોલીસ કર્મચારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે.

નોંધનીય છે કે ઉત્તર પ્રદેશની રાજધાની ગોમતીનગરમાં બુધવારે મરીન ડ્રાઈવ પાસે પુલની નીચે ભરાયેલા પાણીમાં હંગામો મચાવનારા બદમાશોએ તેના મિત્ર સાથે બાઇક પર જઈ રહેલી યુવતીની છેડતી કરી હતી. હવે આ કેસમાં ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે, અને આ કેસમાં ઘણા પોલીસ કર્મચારીઓની પણ ધરપકડ કરવામાં આવી છે.