
સુરતમાં વરસાદને કારણે ઠેર-ઠેર રસ્તાઓનું ધોવાણ થઈ ગયું છે. આજે સવારથી છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે, એટલે રોડ સાઈડમાં પડી ગયેલા ખાડામાં પાણી ભરાઈ ગયાં છે. ત્યારે દાંડી રોડ પર 30થી 40 બાળક ભરેલી સ્કૂલબસ અચાનક ખાડામાં ખાબકી હતી અને ત્રાસી થઈ ગઈ હતી, આથી અંદર રહેલાં બાળકોના જીવ તાળવે ચોંટી ગયા હતા અને ચીસાચીસ કરી મૂકી હતી. ઘટનાની જાણ થતાં જ આસપાસમાંથી લોકો દોડી આવ્યા હતા અને તમામ બાળકોનું કાચની બારીમાંથી બહાર કાઢી રેસ્ક્યૂ કર્યું હતું. જો બસ પલટી ખાઈ હોત તો બાળકોના જીવ જોખમમાં મુકાઈ શકે એમ હતા, પરંતુ બસ ત્રાસી જ ઊભી રહી જતાં મોટી દુર્ઘટના ટળી છે.
પ્રાપ્ત વિગત મુજબ, દાંડી રોડ પર સાકેત ચોકડી નજીક મહારાજા અગ્રસેન ઈન્ટરનેશનલ સ્કૂલની બસ કતારગામ વિસ્તારનાં બાળકો લઈને સ્કૂલે આવી રહી હતી. ત્યારે અચાનક ખાડામાં ખાબકીને ત્રાસી થઈ ગઈ હતી. ઘટના જોતાં જ સ્થાનિક વાહનચાલકો અને શિક્ષકો મદદ માટે દોડી આવ્યા હતા. બાળકોને એક પછી એક કાચની બારીમાંથી બહાર કાઢવામાં આવ્યાં હતાં. બાળકો સહી સલામત હોવાનું જાણવા મળ્યું છે. મોટી જાનહાનિ ટળતાં સ્કૂલ સહિત લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
આ પણ વાંચો : સુરતમાંથી ૧ કે ૨ નહીં એક જ દિવસમાં ૧૬ બોગસ ડોક્ટર ઝડપાયા.
