પૂર્વ મંત્રી દિલીપ સંઘાણી સામે ૧૬ વર્ષ જૂના ૪૦૦ કરોડના માછીમારી કોન્ટ્રાક્ટ કૌભાંડ મામલે કેસ ચાલશે

વર્ષ ૨૦૦૮માં ટેન્ડર બહાર પાડ્યા વગર જ ગુજરાતમાં ૫૮ સ્થળોએ માછીમારીના કોન્ટ્રાક્ટ મળતિયાઓને આપી દેવાતા ૪૦૦ કરોડ રૂપિયાનું કૌભાંડ સામે આવ્યું હતું. હવે ૧૬ વર્ષે રાજ્યના તત્કાલિન કૃષિ અને ફીશરીઝ મંત્રી દિલીપ સંઘાણી અને રાજ્ય કક્ષાના મંત્રી પુરષોત્તમ સોલંકી સામે કેસ ચાલશે. આ કેસમાંથી બચવા માટે બન્ને મંત્રીઓએ અનેક કાયદાકીય દાવપેચ રમ્યા છે. રાજ્ય સરકારે તેમને બચાવવા શક્ય તમામ મદદ કરી છે. પરંતુ હવે સત્ય છાપરે ચડી પોકારી રહ્યું હોવાની લાગણી ઊભી થઈ છે.

રાજ્ય સરકારે વર્ષ ૨૦૦૪માં જળાશયો, નદીમાં ફિશિંગ કરવા માટેના કોન્ટ્રક્ટ માત્ર ટેન્ડરથી જ આપવા માટેનો નિર્ણય લઈ તેનો પરિપત્ર બહાર પાડયો હતો. પરંતુ વર્ષ ૨૦૦૮માં એ સમયે કેબિનેટ કક્ષાના કૃષિમંત્રી દિલીપ સંઘાણી અને રાજ્ય કક્ષાના મંત્રી પુરષોત્તમ સોલંકીએ બારોબાર ૫૮ સ્થળોએ માછીમારીના કોન્ટ્રાક્ટ પોતાના માનીતા લોકોએ આપી દીધા હતા.

આ કૌભાંડ સામે આવતા પાલનપુરના ઈશાક મારડિયાએ ગુજરાત હાઈકોર્ટનો દરવાજો ખટખટાવ્યો હતો. આ કૌભાંડના કોન્ટ્રાક્ટ ટેન્ડરની પ્રક્રિયા વગર હોવાથી રદ થયેલા પરંતુ મંત્રીઓ સામે કોઈ કાર્યવાહી થઈ નથી. વર્ષ ૨૦૧૨માં ઈશાક મારડિયાએ બન્ને મંત્રીઓ સામે ભ્રષ્ટાચારની તપાસ થવી જોઈએ, કેસ દાખલ થવો જોઈએ એવી માંગ કરી હતી. જો કે, રાજ્યના મંત્રીમંડળે સંઘાણી અને સોલંકી સામે ફરિયાદ અને કેસ દાખલ નહીં કરવાનો નિર્ણય લીધો હતો. ગુજરાતના ગવર્નર કમલા બેનિવાલે કેબિનેટની ઉપરવટ જઈ બન્ને મંત્રીઓ સામે તપાસ કરવાની મંજૂરી આપી હતીઅને એસીબીએ તપાસ શરૂ કરી હતી.

એસીબીએ પોતાની તપાસમાં ૩૫૧ પાનાનો રિપોર્ટ તૈયાર કર્યો હતો. જેમાં પુરષોત્તમ સોલંકીને ક્લીન ચીટ મળેલી હતી. પરંતુ તેમણે સરકારી અધિકારીઓને આ મળતિયાને કોન્ટ્રાક્ટ આપવા સમજાવ્યા હોવાનું અને એક નોંધ પણ લખી હતી. આ નોંધમાં એવી મિટિંગનો ઉલ્લેખ છે જે ક્યારેય મળી નથી. એસીબીના રિપોર્ટ અનુસાર, ટેન્ડર બહાર નહીં પાડી, માત્ર એક નિયત ભાવે આ ૫૮ સ્થળોએ માછીમારીના કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવ્યા હતા. અહેવાલ આ પદ્ધતિમાં અને માછીમારીના કોન્ટ્રાક્ટ આપવામાં ગેરરીતિ થઈ હોવાનું પણ સ્વીકારે છે.

એસીબીના રિપોર્ટના આધારે ગાંધીનગર સ્પેશિયલ કોર્ટે બન્ને મંત્રી અને લગભગ છ જેટલા સરકારી નોકરિયાતો સામે કેસ દાખલ કર્યો હતો. આ કેસ અને તપાસ અટકે એ માટે મંત્રીઓએ ગુજરાત હાઈકોર્ટમાં કરેલી એક અરજી વર્ષ ૨૦૧૮માં નામંજૂર થઈ હતી. ત્યારબાદ બન્ને મંત્રીઓએ તેમની સામેની ફરિયાદ અને કેસની સુનાવણી અટકાવી દેવા માટે કરેલી અરજી પણ થોડા દિવસ પહેલા હાઈકોર્ટે નામંજૂર કરી છે. એટલે હવે ૧૬ વર્ષે આ કૌભાંડ ફરી સંઘાણી અને સોલંકીની રાજકીય કારકિર્દીને ડામાડોળ કરે તેવી શક્યતા છે.માછીમારીના ટેન્ડરનો વિવાદ જ્યારે સપાટી ઉપર હતો. ત્યારે જામનગર ખાતે ૨૦૧૪-૧૫માં એક જાહેર સભામાં દિલીપ સંઘાણીએ કરેલા નિવેદનનો વિવાદ ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. તેમણે કહ્યું હતું કે, ’કોર્ટની પ્રક્રિયા અને કામગીરી માપમાં રહેવી જોઈએ.’ આ અંગે કોર્ટના અપમાનનો કેસ સંઘાણી સામે થયો હતો. તેમણે જસ્ટીસ એમ. આર. શાહની ખંડપીઠમાં તાબડતોડ રૂબરૂ હાજર થવું પડયું હતું. લેખિત અને મૌખિક માફી, લાંબી સુનાવણી બાદ તેમની માફી સ્વીકારી કેસ બંધ થયો હતો.