ઝાલોદ ઓવર બ્રીજ જવાના રસ્તા ઉપર મસમોટા ભુવાને લઈ લોકો જીવના જોખમે પસાર થવા મજબુર

દાહોદ શહેરના ઝાલોદ રોડ ઓવર બ્રિજ જવાના રસ્તા પર મસમોટા ભુવાને પગલે વાહન ચાલકોને પોતાના જીવના જોખમે પસાર થવાનો વારો આવી રહ્યો છે. ત્યારે દાહોદ નગરપાલિકા દ્વારા આ ભુવાને તાત્કાલિક ધોરણે પુરવામાં આવે તેવી લાગણી અને માંગણી અહીંથી પસાર થતાં વાહન ચાલકોમાં ઉઠવા પામી છે.

દાહોદ શહેરમાં વરસાદી માહૌલ વચ્ચે જ્યાં જુઓ ત્યાં જાહેર રસ્તાઓ ખખડધજ બની ગયાં છે. શહેરના તમામ રસ્તાઓ પર મસમોટા ખાડાઓ પડી જવાને પગલે કાદવ, કીચડની વચ્ચે આવા ખાડાઓ પરથી વાહન લઈ પસાર થવું તો ઠીક ચાલતુ પસાર થવું પણ મુશ્કેલ બની ગયું છે. સ્માર્ટ સીટીના નામે દાહોદમાં સંબંધિત તંત્ર તેમજ સત્તાધારી પક્ષો દ્વારા માત્ર મોટી મોટી વાતો કરવામાં આવી રહી હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે બે દિવસ પહેલા દાહોદ જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા શહેરના સ્ટેશન રોડ વિસ્તાર ખાતે નગરજનો માટે જોખમી બની રહેલા આવા રસ્તાઓ ભાજપાના ઝંડા લહેરાવી ભારે વિરોધ પણ કરવામાં આવ્યો હતો. ત્યારે બીજી તરફ ગતરોજ દાહોદ શહેરના ઝાલોદ રોડ ઓવર બ્રિજ પાસે મસમોટો ભુવો નજરે પડતાં લોકો ચોંકી ગયાં હતાં. અહીંથી પસાર થતાં વાહન ચાલકોને પોતાના જીવને જોખમમાં મુકી પસાર થવાનો વારો આવી રહ્યો છે. ત્યારે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા આ ભુવાને પુરવામાં આવે તે અત્યંત આવશ્યક છે. ત્યારે સ્થાનીક પોલીસ દ્વારા આ મામલે સજાગતા દાખવી આ ભુવાની ભરતે બેરીકેટ લગાવી દેવામાં આવ્યું છે.