ભાજપને મહેસાણામાં ૬માંથી ૩ સીટ પર સીધા ડખા, નીતિન પટેલની નારાજગી સમીકરણો બદલશે

મહેસાણા,

ગુજરાતમાં મહેસાણા જિલ્લો એ રાજકારણની લેબોરેટરી ગણાય છે. મહેસાણા ભાજપનો ગઢ ગણાય છે. કોંગ્રેસને અહીં જીતવા માટે લોઢાના ચણા ચાવવા પડે તેવી સ્થિતિ વચ્ચે આ ચૂંટણીમાં સમીકરણો બદલાઈ શકે છે. ગત વિધાનસભાની ચૂંટણીમાં ૭ બેઠકોમાંથી ભાજપ ૫ બેઠકો પર વિજેતા થયું હતું. નીતિન પટેલ મહેસાણાની સીટ પરથી વિજેતા બનીને નાયબ મુખ્યમંત્રી બન્યા હતા.

આ ચૂંટણીમાં નીતિન પટેલ સાઈડલાઈન છે. જેઓ જાહેરમાં બળાપો કાઢી રહ્યાં છે કે હાઈકમાન્ડે મારી ટિકિટ કાપી નાખી.નીતિન પટેલની નારાજગી મહેસાણા સીટ પર રહી તો ભાજપને નુક્સાન કરાવી શકે છે. નીતિન પટેલે ૩ સીટની જવાબદારી લીધી છે પણ હાથીના દેખાડવાના અને ચાવવાના દાંત જુદા હોય એમ રાજકારણીઓ બોલે કંઇક અને કરે કંઈક.ગત ચૂંટણીમાં કોંગ્રેસે બેચરાજી સીટ પર દબદબો જાળવ્યો હતો. આ ચૂંટણીમાં ભાજપે જ્ઞાતિ સમીકરણોને આધારે રજની પટેલની ટિકિટ કાપી ઠાકોર ઉમેદવાર ઉભો રાખ્યો છે તો સામે કોંગ્રેસે પણ ભોપાજી ઠાકોરને ટિકિટ આપી છે. રજની પટેલનું નામ છેક સુધી ફાયનલ હોવા છતાં અહીં કપાઈ ગયું છે.

જેઓએ મોદી માટે કરેલી સભા પણ તેમને ફળી નથી. આ સીટ પર ૨ ઠાકોર ઉમેદવાર વચ્ચે જંગ છે. ૨૦૧૫માં પાટીદાર અનામત આંદોલનની આંધીએ રજનીકાંત પટેલની ગૃહપ્રધાન તરીકેની કારકિર્દી પર પાણી ફેરવી વાળ્યું હતું. ઊંઝામાં ૠષિકેશ પટેલે ઉમેદવારી માટે ધમપછાડા કર્યા છતાં પણ પાટીદારોના દબદબા વાળી આ બેઠક પર ભાજપે પાટીદારને તક આપી છે પણ ૠષિકેશને વિસનગરથી લડવાની ફરજ પાડી છે. ૨૦૧૭ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આશાબેન પટેલે ઊંઝા બેઠક પર ૧૯૯૫થી ૫ વાર ધારાસભ્ય રહેલા ભાજપના નારાયણ પટેલને હરાવી કોંગ્રેસની ટીકીટ પર ઊંઝા બેઠક પર જીત્યા હતા. ૨૦૧૯માં તેમણે ઊંઝાના ધારાસભ્ય અને કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાયા અને પેટાચૂંટણીમાં ભાજપની ટીકીટ પર લડી ફરી ઊંઝાના ધારાસભ્ય બન્યા અને ભાજપ ૭માંથી ૬ બેઠકો પર દબદબો ધરાવતું થયું છે.

૨૦૧૭માં પાટીદાર અનામત આંદોલનની અસરને પગલે ઊંઝા સાથે વિસનગરમાં પણ ૠષિકેશ પટેલને જીતના ફાંફા પડ્યા હતા. જેઓ નોટાથી પણ ઓછા વોટથી જીત્યા હતા. આ ચૂંટણીમાં ૠષિકેશ પટેલ સામે ચૌધરીઓનો વિરોધ છે. વિસનગરની બેઠક પર ચૌધરી સમાજની સંખ્યા ૨૦ હજારની આસપાસ જ છે. આ બેઠક એ પાટીદારનો ગઢ ગણાય છે પણ કોંગ્રેસમાંથી પણ પાટીદાર ઉમેદવાર હોવાથી પાટીદારોના મતો વહેંચાયા અને ચૌધરીઓની નારાજગી નડી તો આ બેઠક પર ૠષિકેશ પટેલને સમસ્યા આવી શકે છે. આવી જ સ્થિતિ ખેરાલુ બેઠકની છે. ખેરાલુ એ ઠાકોર સમાજનો દબદબો ધરાવતી બેઠક છે. આ બેઠક પર ભાજપ અને કોંગ્રેસે ઠાકોર સમાજને સાઈડલાઈન કરી ચૌધરી ઉમેદવાર પર ભરોસો મૂક્યો છે પણ અહીં પાટણના સાંસદ ભરતસિંહ ડાભીના ભાઈ રામસિંહ ઠાકોરે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. મોદીની મહેસાણાની સભામાં પણ શંકરસિંહ ડાભીની સૂચક ગેરહાજરી આ બેઠક પર કંઈક નવાજૂની કરાવી શકે છે. અહીં ઠાકોર સમાજ એક થાય તો ભાજપ અને કોંગ્રેસ બંનેના સમીકરણો બગાડી શકે છે.

વિજાપુરમાં પણ નીતિન પટેલે દબદબો રાખી રમણભાઈ પટેલને ટિકિટ આપી દીધી છે પણ અહીં એમની જીતની ગેરંટી લઈ શકે એમ નથી. રમણભાઈ પટેલ સામે સ્થાનિક ભાજપી નેતાઓ જ વિરોધ કરી રહ્યાં છે. રમણભાઈ પટેલે વિરોધ વચ્ચે કામગીરી તો કરી દીધી છે પણ આ બેઠક પર કોંગ્રેસે સી. જે. ચાવડાને ઉતાર્યા છે. ચાવડા ગાંધીનગર ઉત્તરની સીટ બદલીને આ ચૂંટણીમાં માદરે વતનમાં લડવા ઉતર્યા છે. વિજાપુરમાં પાટીદારો અને ક્ષત્રિયોનો દબદબો છે. રમણભાઈ પટેલ સામે ભાજપમાં આંતરિક વિરોધ અને આપના પટેલ ઉમેદવાર વચ્ચે પાટીદારોના મતો વહેંચાય તો ચાવડાને આ સીટ પર સીધો ફાયદો મળી શકે છે કારણ કે વિજાપુર બેઠક પર ક્ષત્રિયોના પણ વોટ એ અતિ અગત્યના છે. કડીએ ભાજપનો ગઢ ગણાય છે અહીં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર હોય છે. ભાજપે અહીં સીટિંગ ઉમેદવારને રિપિટ કર્યા છે. નીતિન પટેલનું આ હોમ ટાઉન છે. જો નીતિન પટેલ ટિકિટ કપાવવાની નારાજગી ખાનગીમાં કંઇ રીતે રજૂ કરે છે એની પર આ સીટનું ભવિષ્ય નક્કી થશે કારણ કે નીતિન પટેલ પહેલાં આ સીટ પરથી જ ઉમેદવારી કરતા હતા. મહેસાણામાં નીતિન પટેલની ટિકિટ કાપી ભાજપે નવા ઉમેદવારને તક આપી છે પણ મહેસાણામાં કોંગ્રેસ અને આપમાંથી નબળા ઉમેદવારોએ અહીં ભાજપ માટે મોટી તક પૂરી પાડી છે.