સુપ્રીમ કોર્ટના કોલેજીયમ દ્વારા હાઈકોર્ટના ૭ જજોની બદલીની ભલામણ: ગુજરાતના જજની ટ્રાન્સફર અટકી

નવીદિલ્હી ,

સુપ્રીમ કોર્ટના કોલેજીયમે ગઈકાલે હાઈકોર્ટના સાત ન્યાયાધીશોની દેશની અન્ય હાઈકોર્ટમાં બદલીની ભલામણ કરી હતી, જો કે આ બદલીમાં ગુજરાતના જજની ટ્રાન્સફર ગુજરાત હાઈકોર્ટ એડવોકેટસ એસોસીએશનની રજુઆતથી અટકી હતી, ગુજરાતના વકીલોને તેમની રજુઆત બદલ આશ્ર્વાસન કરવામાં આવ્યા હતા. આ અંગે વધુમાં જાણવા મળતી વિગત મુજબ ભારતના ચીફ જસ્ટીસ ડી.વાય.ચંદ્રચૂડની અઘ્યક્ષતાવાળા કોલેજીયમે ૭ જજોની બદલીની ભલામણ કરી હતી અને આ પ્રસ્તાવને સુપ્રીમ કોર્ટની વેબસાઈટ પર અપલોડ કરવામાં આવ્યો હતો.

જે જજોની બદલીની ભલામણ થઈ છે તેમાં મદ્રાસ હાઈકોર્ટના જજ વી.એમ.વેણુમણિનું નામ સામેલ છે. તેમની બદલી કોલકાતા હાઈકોર્ટમાં જજ તરીકે કરવાની ભલામણ કરાઈ છે. કોલેજીયમમાં સામેલ જજ સંજય કિશન કૌલ અને જજ અબ્દુલ નઝીરે જજ બટ્ટુ દેવાનંદને આંધ્રપ્રદેશ હાઈકોર્ટમાંથી મદ્રાસ હાઈકોર્ટમાં બદલીની ભલામણ કરી હતી.

જજ ડી.રમેશને આંધ્રપ્રદેશ હાઈકોર્ટથી અલાહાબાદ હાઈકોર્ટ, જજ લલિતા કન્નેગંતિને તેલંગાણા હાઈકોર્ટથી કર્ણાટક હાઈકોર્ટ મોકલવાની ભલામણ થઈ છે તો જજ ડી.નાગાર્જુનને તેલંગાણા હાઈકોર્ટથી મદ્રાસ હાઈકોર્ટ તેમજ ટી.રાજાને મદ્રાસ હાઈકોર્ટથી રાજસ્થાન હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરવાની ભલામણ કરાઈ છે જયારે જજ એ.અભિષેક રેડ્ડીની તેલંગણા હાઈકોર્ટથી પટણા હાઈકોર્ટ બદલી કરવાની ભલામણ કરી હતી. જજ રેડ્ડીની બદલી સામે તેલંગાણા હાઈકોર્ટના વકીલોએ વિરોધ કર્યો હતો. બાદમાં બાર નેતાઓના એક પ્રતિનિધિમંડળે સુપ્રીમ કોર્ટમાં સીજેઆઈની મુલાકાત લીધી હતી.

હાઈકોર્ટના જે જજોની બદલીની ભલામણ કરાઈ છે તે યાદીમાં ગુજરાત હાઈકોર્ટના જજ નિખિલ એસ.કરીલનું નામ નથી. ઉલ્લેખનીય છે કે જજ કરીલની પટણા હાઈકોર્ટમાં બદલીની ભલામણ કરાઈ હતી. જેની સામે ગુજરાત હાઈકોર્ટ એસોસીએશનના વકીલોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું અને બાદમાં બારના નેતાઓના એક પ્રતિનિધિમંડળે સીજેઆઈની મુલાકાત લીધી હતી, જેની સામે સીજેઆઈએ આશ્ર્વાસન આપ્યું હતું કે આ બારામાં વિચાર કરવામાં આવશે.