લોક્સભામાં સામાન્ય બજેટ પર ચર્ચા કરતાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જે રીતે પોતાનો એ જૂનો આરોપ ફરીથી દોહરાવ્યો કે બજેટ બનાવનારામાં કોઈ એસસી-એસટી કે ઓબીસી અધિકારી નથી હોતો, તેનાથી જો કંઈ સ્પષ્ટ થતું હોય તો એ જ કે તેઓ સમાજમાં ભાગલા પાડનારી વિભાજનકારી રાજકારણ કરી રહ્યા છે. તેઓ આ વાત પહેલાં પણ કેટલીય વખત કરી ચૂક્યા છે અને સરકાર દ્વારા દર વખતે તેમને વિસ્તારથી એ જણાવાયું છે કે આવી સ્થિતિ કેમ છે અને કઈ રીતે તેના માટે કોંગ્રેસની તત્કાલીન સરકારો જ જવાબદાર છે, પરંતુ તેઓ જાણીજોઈને કંઈ સમજવા તૈયાર જ નથી.
તેઓ ધરાર એ તથ્યની અવગણના કરી રહ્યા છે કે યુપીએ સરકારના સમયે પણ આવી જ સ્થિતિ હતી! એમ તો ઉચ્ચ સ્તરની નોકરશાહીમાં યથાસંભવ તમામ વર્ગોનું પ્રતિનિધિત્વ હોવું જોઇએ, પરંતુ શાસનના દરેક નિર્ણયમાં સામેલ અધિકારીઓની જાતિ ગણવી ખતરનાક જાતિવાદી રાજકારણ છે. રાહુલ ગાંધી એક રીતે એમ કહેવા માગે છે કે બિનઅનામત વર્ગોના અધિકારી અનામત વર્ગોના હિતોની ઉપેક્ષા કરે છે. એક વાર તેઓ ત્યાં સુધી સંકેત કરી ચૂક્યા છે કે ઉચ્ચ જાતિના શિક્ષકો પ્રશ્ર્નપત્રો બનાવે છે, તેથી અનામત વર્ગના વિદ્યાર્થીઓ નાપાસ થાય છે! આખરે આ ભડકાઉ રાજકારણ નથી તો શું છે?
રાહુલ ગાંધીના હાવભાવ જોતાં એવું જ લાગે છે કે તેઓ હજુ પણ ચૂંટણી મુદ્રામાં જ છે. આખરે તેઓ જે કંઈ મોદી સરકાર પાસેથી માગી રહ્યા છે, તેને કોંગ્રેસ સંગઠન અને સાથે જ પોતાના પક્ષ દ્વારા શાસિત રાજ્ય સરકારોમાં કેમ લાગુ નથી કરી રહ્યા? શું મોદી સરકારે તેમને એવું કરવાથી રોક્યા છે? તેમણે જણાવવું જોઇએ કે કર્ણાટક, તેલંગણા અને હિમાચલ પ્રદેશમાં બજેટ બનાવવામાં અનામત વર્ગોના કેટલા અધિકારીઓની ભાગીદારી હોય છે? તેઓ મોદી શાસનની જેમ મીડિયામાં પણ અનામત વર્ગોના પ્રતિનિધિત્વનો પ્રશ્ર્ન પણ પણ કેટલીય વખત ઉઠાવી ચૂક્યા છે, પરંતુ એ જોવા તૈયાર નથી કે આખરે તેમના પરિવારના પ્રભુત્વ વાળા મીડિયા સંસ્થામાં આ વર્ગોના કેટલા લોકોની ભાગીદારી છે?
રાહુલ ગાંધીએ બજેટ પર સરકારને ઘેરવા માટે મહાભારતનો ઉલ્લેખ કરતાં એમ પણ કહ્યું કે જેમ અભિમન્યુને ચક્રવ્યૂહમાં ઘેરી લીધો હતો, એ જ રીતે દેશને પણ મોદી સરકારે ઘેરી લીધો છે. તેમણે વડાપ્રધાન સહિત જે છ લોકોને આ ઘેરાબંધી માટે જવાબદાર ઠેરવ્યા, તેમાં અંબાણી-અદાણી સાથે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અને આરએસએસ પ્રમુખને પણ સામેલ કરી લીધા. સ્પષ્ટ છે કે તે મનમાફક અને વાહિયાત તર્ક આપતાં જરા પણ ખચકાતા નથી. તેઓ પોતાની આવી વાતોથી ચર્ચામાં તો આવી જાય છે અને તેમના સમર્થકો તેમની વાહ-વાહી કરવા લાગે છે, પરંતુ વિરોધ પક્ષના નેતા તરીકે તેઓ ના તો સમાજને કોઈ યોગ્ય દિશા આપી શકે છે અને ના સરકારને કોઈ સાર્થક સૂચન કરી શકે છે.