હરવાફરવાના શોખીનો અને આજીવન પ્રવાસી ગુજરાતીઓ માટે આનંદના સમાચાર છે. ગુજરાતમાં કચ્છના કચ્છના સફેદ રણ તથા દીવના દરીયા કિનારાના પ્રવાસે જતા લોકો હવે જંગલ સફારી પણ માણી શકશે. આમ ગુજરાતના પ્રવાસના આકર્ષણના ભાથામાં વધુ એક છોગું ઉમેરાયું છે. ગુજરાતમાં પ્રવાસનને વેગ આપવા માટે સિંહ-દીપડાના સફારી પાર્ક બનાવવાની રાજય સરકારની દરખાસ્તને ઝૂ ઓથોરીટી ઓફ ઈન્ડિયાએ સ્વીકૃતિ આપી દીધી છે. સાસણમાં દેવળીયા પાર્કના ધોરણે આ પ્રકારની સફારી કચ્છમાં નારાયણ સરોવર તથા ગીર સોમનાથમા ઉના તાલુકાના નલીયા-માંડવીમાં વિક્સાવાશે.
રાજયના વન વિભાગનાં જ પ્રિન્સીપાલ ચીફ કન્ઝર્વેટર નિત્યાનંદ શ્રીવાસ્તવે જણાવ્યુ હતું કે, રાજય સરકારની દરખાસ્તને સેન્ટ્રલ ઝૂ ઓથોરીટીએ મંજૂરી આપી દીધી છે.જંગલની જમીન પર અભ્યારણ ઉભા કરવાના હોવાથી હવે સુપ્રીમ કોર્ટમાં દરખાસ્ત કરાશે. સર્વોચ્ચ અદાલતે અગાઉ જંગલની જમીનમાં ઝૂ કે સફારી પાર્ક બનાવવા માટે કોર્ટની પરવાનગી અનિવાર્ય બનાવતો આદેશ કર્યો હતો.
કચ્છના ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ સંદિપકુમારે જણાવ્યું હતું કે, નારાયણ સરોવર સફારી પાર્કથી પ્રવાસનને નવુ બળ મળશે.લોકો સિંહ-દિપડા જેવા વન્ય પ્રાણીઓને વિહરતા નિહાળી શકશે. ઉના તાલુકાનું નલીયા-માંડવી દીવથી ૮ કીમી થાય છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અગાઉ જ ત્યાં સફારી પાર્ક બનાવવાની જાહેરાત કરી હતી. બન્ને સફારી પાર્ક જંગલ ખાતાની ૪૦૦-૪૦૦ હેકટર જમીન પર બનાવવામાં આવશે.
રાજય સરકારે ગત માર્ચ મહિનામાં જ વન્યપ્રાણી સંક્રમણ યોજના હેઠળ રાજયમાં જુદા જુદા સફારી પાર્ક બનાવવાની જાહેરાત કરી હતી. સફારી પાર્કમાં કોઈ એક જ પ્રજાતિનાં વન્ય પ્રાણી રાખવાની નીતિથી આગળ વધીને વધુ પ્રજાતિનાં વન્યપ્રાણી રાખવાનો નિર્ણય લીધો હતો જેના કારણે પ્રવાસીઓ જુદા જુદા પ્રાણીને નિહાળવાનો રોમાંચ ઉઠાવી શકે.
સેન્ટલ ઝૂ ઓથોરીટી દ્વારા કચ્છના બન્ની વિસ્તારમાં ચિતા માટે પ્રિડીંગ સેન્ટર શરૂ કરવાની દરખાસ્તને પણ મંજુરી આપી દેવામાં આવી છે. વન વિભાગે યુદ્ધના ધોરણે પ્રોજેકટ શરૂ કર્યો છે. ૫૦૦ હેકટર જમીનમાં ચિતાના બ્રીડીંગનું આ પ્રથમ સેન્ટર બનશે. ચિતાની ‘મેટીંગ’ માટે યોગ્ય વાતાવરણનાં ભાગરૂપે ‘ઓપન-ટુ-એર’ સુવિધા સર્જવામાં આવશે. ૧૨૦ સ્કવેર મીટરના એક એવા ત્રણ સેન્ટરનું નિર્માણ થશે. એક નર ચિતા અને બીજુ માદા ચિતા માટે રખાશે.