ગોધરા સિટી સર્વે કચેરીમાં ગાંધીનગરની ટીમ દ્વારા ત્રણ દિવસ તપાસ કરાઈ

  • પ્રોપર્ટી કાર્ડની નોંધો ગેરકાયદેસર પ્રમાણિત કરાયાની ફરિયાદો બાદ તપાસ

પંચમહાલ જિલ્લા સિટી સર્વે કચેરીમાં પ્રોપર્ટી કાર્ડની નોંધને ગેરકાયદે પ્રમાણિત કરાઈ હોવાની વ્યાપક ફરિયાદીને પગલે ગાંધીનગર સ્થિત સેટલમેન્ટ કમિશનર અને જમીન રેકર્ડ નિયામકની કચેરીમાંથી તપાસ ટીમ ગોધરા સ્થિત સિટી સર્વે સુપ્રિટેન્ડેન્ટની કચેરીમાં તપાસ માટે આવી છે.

પંચમહાલ જિલ્લામાં મિલ્કત ધારકોના પ્રોપર્ટી કાર્ડ તૈયાર કરી આપવાના ધાંધિયા અને વગદાર ચહેરાઓના પ્રોપર્ટી કાર્ડ રાતોરાત તૈયાર કરી આપવાની ઉઠેલી ફરિયાદો ઉપરાંત એક વખત નામંજુર થયેલ પ્રોપર્ટી કાર્ડની નોંધો સામે સક્ષમ અધિકારી સમક્ષ અપીલ કર્યા વિના કેટલીક નામંજુર નોંધોને પ્રમાણિત કરી આપવાના બહાર આવેલા કેટલાક કિસ્સાઓના પગલે તપાસ હાથ ધરાઈ હતી. ગાંધીનગર ખાતેથી આવેલી ટીમની તપાસમાં એક પ્રોપર્ટી કાર્ડ ખોટી રીતે બનાવાયુ હોવાનુ ઘ્યાને આવતા કસુરવાર ગોધરા સિટી સર્વે કચેરીના સર્વેયર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તેની વડોદરા ખાતે તાત્કાલિક અસરથી બદલી કરાઈ હતી. આ પ્રકરણમાં અન્ય કર્મચારીઓની ભુમિકાઓ સામે પણ હવે તપાસ હાથ ધરાઈ છે. હાલની તપાસમાં સુપ્રિટેન્ડેન્ટના કાર્યકાળ દરમિયાન તૈયાર કરાયેલા પ્રોપર્ટીકાર્ડની ચકાસણી પણ કરાશે.ગાંધીનગરની ટીમે સતત ત્રણ દિવસ તપાસ હાથ ધરી હતી.