શહેરા નગરજનોને નિયમિત પીવાનું પાણી નહીં મળવા સાથે ભર ચોમાસે પીવાના પાણીની સમસ્યા સર્જાઈ

શહેરા નગરમાં ભરચોમાસે પીવાના પાણીની સમસ્યાથી નગરજનો હેરાન પરેશાન થઇ ઉઠ્યા છે. નગરજનોને અનિયમિત પીવાનું પાણી મળવા સાથે આ સમસ્યા હલ કરવામાં પાલીકાના સત્તાધીશોને કોઈ રસ ન હોય એવી અનેક ચર્ચાઓ જોરશોરથી નગરજનોમાં થઈ રહી હતી. ત્યારે નગર વિસ્તારમાં પાણી ની સમસ્યા વધુ વિકટ બને તે પહેલા યોગ્ય કાર્યવાહી હાથ ધરાય અને નિયમિત પાણી મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવા માંગ કરવામાં આવી રહી છે.

‘જળ એ જીવન છે’ એ આપણે પણ જાણીએ છીએ જોકે પાણી નામના શબ્દથી શહેરા નગરના નગરજનો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે. નગર વિસ્તારમાં નગરપાલિકા દ્વારા અપાતુ પીવાનુ પાણી ચોમાસામાં પણ નિયમિત નહીં મળતા પાણીના પોકાર ઉઠી રહ્યા હતા. નગરના ઘણા બધા વિસ્તારમાં પીવાના પાણીની વિકટ સમસ્યા ધીમે ધીમે સર્જાઈ રહી હોવા સાથે નગર પાલિકા કચેરી ખાતે પણ પાણી સમસ્યાની અનેક રજૂઆતો નાગરીકો દ્વારા કરવામાં આવી હતી.

નગરના અણીયાદ ચોકડી વિસ્તાર, સિંધી સોસાયટી, ઝુલેલાલ મંદિર પાસે, શિવમ સોસાયટી તેમજ અન્ય વિસ્તારોમાં પાલિકા દ્વારા બે દિવસ કે પછી ચાર દિવસ એ પીવાનું પાણી આપવામાં આવી રહયુ છે. જોકે, નગરજનોને જરૂરિયાત મુજબ પાણી નહિ મળવાના કારણે પાલિકા કચેરી ખાતે દોડધામ કરી રહયા હોવા સાથે નિયમિત પાણી પાલિકા દ્વારા આપવામાં આવે તેવી માંગ પણ કરી રહ્યા હતા. નગરપાલિકા વિસ્તારમાં નિયમિત પાણી નહીં મળતા હોવાની અનેક બૂમો ઉઠવા છતાં પાલિકાના સત્તાધીશો દ્વારા આ પીવાના પાણીની સમસ્યા હલ કરવામાં નિષ્ફળ નીવડી રહયા હોય એવી અનેક ચર્ચાઓ હાલ નગરજનોમાં થઈ રહી હતી.

નગરજનોને પીવાના પાણીની સમસ્યામાંથી છુટકારો મળે તે માટે રાજ્ય સરકારમાંથી અનેક ગ્રાન્ટો ફાળવવામાં આવતી હોય તેમ છતાં નગર વિસ્તારમા નિયમિત પીવાનું પાણી પાલિકા આપી શકતુ નથી. જીલ્લામાં આવેલી બીજી નગરપાલિકામાં નિયમિત પીવાનું પાણી મળતુ હોવાનુ સ્થાનિક નગરજનો જણાવી રહયા હોય ત્યારે શહેરા નગરપાલિકા વિસ્તારમાં નિયમિત પાણી નગરજનોને કેમ નથી મળી રહયં તે માટે જીલ્લા કલેકટર આ બાબતને ધ્યાનમાં લઈને તપાસ ટીમની રચના કરીને નગરજનોને પીવાના પાણીની સમસ્યામાંથી કાયમી છુટકારો અપાવે તેવી આશા જાગૃત નગરજનો રાખી રહ્યા હતા.

જોકે,પાલિકા કચેરી ખાતે મિલ્કત ધારકો સમયસર વેરો ભરતા હોવા છતાં ચોમાસા પણ નગર વિસ્તારમાં પીવાનું પાણી જરૂરિયાત મુજબ નગરજનો નહી મળવા ના કારણે પાલિકા સામે જાગૃત નગરજનો નો રોષ જોવા મળે તો નવાઈ નહી. નગર વિસ્તારમાં વધતી જતી પીવાના પાણીની સમસ્યા થી ખાસ કરીને મહીલાઓ હેરાન પરેશાન હોય ત્યારે પાલિકા કચેરી ખાતે ચીફ ઓફિસર અને પાલિકા પ્રમુખ પણ મહિલા હોય ત્યારે આ ઉપરોક્ત બાબતે તેઓ કેટલી ગંભીરતા લેશે એતો આવનારા દિવસોમાં ખબર પડી જશે તેમ છે.