કર્ણાટકમાં જૂથવાદ:રાહુલ ગાંધીએ સિદ્ધારમૈયા અને શિવકુમારને તમામ નેતાઓને સાથે મળીને કામ કરવા કહ્યું

કોંગ્રેસ શાસિત રાજ્ય કર્ણાટકમાં છેલ્લા કેટલાક સમયથી જૂથવાદના સમાચારો વધી રહ્યા છે. એક તરફ રાજ્યના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા છે અને બીજી બાજુ કોંગ્રેસના દિગ્ગજ નેતા અને રાજ્યના ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમાર છે. જો કે હવે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ આ જૂથવાદ પર નારાજગી દર્શાવી છે. રાહુલ ગાંધીએ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમાર બંનેને કડક સલાહ આપી છે અને સાથે મળીને કામ કરવા કહ્યું છે. ચાલો જાણીએ રાહુલે બીજું શું કહ્યું.

કોંગ્રેસના સૂત્રો દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, લોક્સભા ચૂંટણી બાદ કર્ણાટકના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી વચ્ચેના જૂથવાદને જોતા રાહુલ ગાંધીએ તમામ નેતાઓને સાથે મળીને કામ કરવા કહ્યું છે. રાહુલ ગાંધીએ તમામ નેતાઓને સાથે મળીને સરકાર ચલાવવા માટે કહ્યું છે. તેમણે પાર્ટીને મજબૂત કરવા અને લોક્સભા ચૂંટણીમાં જરૂરી સંખ્યામાં બેઠકો ન મળવાના કારણો પર યાન આપવા અને તેને સુધારવા માટે પણ કહ્યું છે.

બીજી તરફ ડીકે શિવકુમારે બસનાગૌડા પાટીલ યતનાલના દાવા પર પ્રતિક્રિયા આપી છે જેમાં યતનાલે કહ્યું છે કે બીવાય વિજયેન્દ્ર ડીકે શિવકુમારને સીએમ બનાવવા માટે પ્રચાર કરી રહ્યા હતા. ડીકે શિવકુમારે કહ્યું કે મને ખબર છે કે યતનલે શું કહ્યું છે. મારી અને યતનાલ વચ્ચે અલગ રાજનીતિ છે. મેં તેમની સામે ૨૦૦ કરોડ રૂપિયાનો માનહાનિનો કેસ દાખલ કરી દીધો છે.