લોક્સભા માટે ભારતીય જનતા પાર્ટીએ ૧૬ જેટલા સાંસદોને દંડક બનાવ્યા છે. આ ૧૬ નાયબ દંડકમાં બે ગુજરાતના સાંસદોને જવાબદારી મળી છે. જેમાં વલસાડ બેઠક પર પ્રથમ વખત ચૂંટણી લડેલા ધવલ પટેલ અને ખેડા બેઠક પર ચૂંટાયેલા દેવુસિંહ ચૌહાણને નાયબ દંડકની જવાબદારી મળી છે.
૨૦૨૪ની લોક્સભાની ચૂંટણીમાં ધવલ પટેલને ટિકિટ આપવામાં આવી હતી. ધવલ પટેલ કોંગ્રેસના આંદોલનકારી નેતા અનંત પટેલ સામે જીત મેળવીને પ્રથમ વખત સાંસદ બન્યા છે. ધવલ પટેલ ભાજપ સોશિયલ મીડિયામાં એક્સપર્ટ તરીકે તેમજ ગુજરાતની તમામ બેઠકના સાંસદોમાંથી યુવા સાંસદ છે. ૩૭ વર્ષીય ધવલ પટેલ રાષ્ટ્રીય આદિજાતિ મોરચાના હોદ્દેદાર પણ રહી ચૂક્યા છે. મૂળ નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ઝરી ગામના અને વલસાડ સ્થાયી થયેલા છે. તેઓ વર્ષોથી ભારતીય જનતા પાર્ટીમાં આદિજાતિ નેતા તરીકે ધવલ પટેલ સફળ કામગીરી કરી રહ્યા છે. ભાજપે પ્રથમ ટર્મમાં ચૂંટાયેલા નેતાને ઉપ દંડક બનાવ્યા છે.
તેમજ ભાજપે બક્ષીપંચ સમાજમાંથી આવતા મૂળ ખેડા જિલ્લાના વતની અને હાલ ખેડા લોક્સભા બેઠક પરથી ચૂંટાયેલા દેવુસિંહ ચૌહાણને પણ ઉપદંડકની જવાબદારી સોંપી છે. ખેડાના વર્તમાન સાંસદ દેવુંસિંહ ચૌહાણની વાત કરીએ તો તેઓ ૨૦૦૧થી જાહેર જીવનની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેઓ ૨૦૦૭માં પહેલીવાર માતરના ધારાસભ્ય બન્યા હતા. ખેડા લોક્સભા બેઠકથી ૨૦૦૯, ૨૦૧૪, ૨૦૧૯ અને ૨૦૨૪માં સાંસદ બન્યા છે. ૨૦૧૯માં મોદી સરકારમાં રાજ્યકક્ષાના સંચાર મંત્રી રહી ચૂક્યા છે. આમ ગુજરાતના બે સાંસદો એટલે કે આદિવાસી સમુદાયના યુવા સાંસદ અને બક્ષીપંચ સમુદાયમાંથી આવતા સાંસદને મહત્વની જવાબદારી આપીને ગુજરાતમાં ભાજપે જ્ઞાતિ ગણિત પણ સેટ કર્યું છે.
નોંધનીય છે કે, વર્ષ ૨૦૦૯, ૨૦૧૪, ૨૦૧૯ અને ૨૦૨૪ એમ ચાર ટર્મમાં સાંસદ રહેલા મૂળ બિહારના ડૉ. સંજય જયસ્વાલને લોક્સભાના મુખ્ય દંકડ બનાવાયા છે. હાલ સંજય જયસ્વાલ બિહાર રાજ્યમાં આવતી પશ્ર્ચિમ ચંપારણ્ય બેઠકના સાંસદ છે. વ્યવસાયે તબીબ સંજય જયસ્વાલને ભાજપે દંડક બનાવ્યા છે. તેમની સાથે ૧૬ સાંસદો એટલે કે દીલીપ સંખિયા, ગોપાલજી ઠાકુર, સંતોષ પાંડે, કમલજીત શહરાવત, ધવલ પટેલ, દેવુસિંહ ચૌહાણ, જુગકિશોર શર્મા, કોટા શ્રીનિવાસ પૂજાર્ય, સુધીર ગુપ્તા, સ્મિતા ઉદય, અનંત નાયક, દામોદર અગ્રવાલ, કોંડા વિશ્ર્વેશ્ર્વર રેડ્ડી, સતીષ કુમાર ગૌતમ, સાશંક માની અને ખાગન મૂર્મુને નાયબ દંડકની જવાબદારી મળી છે.