આપણે પરિવારવાદથી ઉપર ઊઠીને દેશ બાબતે વિચારવું જોઈએ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી

siasat.com
  • ભારતનો ઇતિહાસ યોદ્ધાઓ અને વિજયનો ઇતિહાસ છે.

નવીદિલ્હી,

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે પૂર્વવર્તી અહોમ સામ્રાજ્યના જનરલ અને વીર યોદ્ધા વીર લચિત બોડફુકનની ૪૦૦મી જયંતી પર દિલ્હીમાં એક કાર્યક્રમને સંબોધિત કર્યો હતો. વિજ્ઞાન ભવનમાં આયોજિત લચિત બોડફુકનની ૪૦૦મી જયંતીના સમાપન સન્મારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ભારતનો ઇતિહાસ યોદ્ધાઓ અને વિજયનો ઇતિહાસ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીર લચિત બોડફુકનની ૪૦૦મી જયંતી પર તેમને યાદ કરતા કહ્યું કે, ’આજે ભારત પોતાની સંસ્કૃતિના ઐતિહાસિક નાયક-નાયિકાઓને ગર્વથી યાદ કરી રહ્યો છે.’

તેમણે આગળ કહ્યું કે, ’લચિત જેવા મા ભારતીના અમર સંતાનો આપણી અવિરલ પ્રેરણા છે. હું આ પુણ્ય અવસર પર લચિતને નમન કરું છું.’ વીર લચિત બોડફુકન જેવું સાહસ અને નીડરતા જ આસામની ઓળખ છે. જો કોઈ તલવારના જોરે આપણને ઝુકાવવા માંગે છે તો, આપણી શાશ્વત ઓળખને બદલાવ માંગે છે આપણને તેનો જવાબ પણ આપતા આવડે છે. પૂર્વોત્તરની ધરતી તેની સાક્ષી રહી છે. વીર લાચિત બોડફુકને વીરતા અને સાહસ દેખાડ્યું તે માતૃભૂમિ માટે અગાધ પ્રેમની પરાકાષ્ઠા હતી.

વીર લચિત જેવું સાહસ અને નીડરતા જ આસામની ઓળખ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અહીં ભારતના ઇતિહાસનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે, ભારતનો ઇતિહાસ માત્ર ગુલામીનો ઇતિહાસ નથી. તે યોદ્ધાઓનો ઇતિહાસ છે. ભારતનો ઇતિહાસ જયનો છે, વીરતાનો છે, બલિદાનનો છે, મહાન પરંપરાનો છે. આઝાદી બાદ પણ આપણને એ જ ઇતિહાસ ભણાવવામાં આવ્યો, જેને ગુલામીના કાળખંડમાં કાવતરું રચવામાં આવ્યું. આઝાદી બાદ આવશ્યક્તા હતી કે ગુલામીના એજન્ડાને બદલવામાં આવે, પરંતુ એમ ન થયું.

ઉલ્લેખનીય છે કે, ૨૪ નવેમ્બરના રોજ લચિત દિવસ મનાવવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અહીં પરિવારવાદ પર પણ નિશાનો સાયો. તેણે કહ્યું કે, ’લચિતનું જીવન આપણને પ્રેરણા આપે છે કે આપણે વ્યક્તિગત સ્વાર્થોને નહીં, દેશના હિતને પ્રાથમિક્તા આપવું જોઈએ. તેમનું જીવન પ્રેરણા આપે છે કે આપણે પરિવારવાદથી ઉપર ઊઠીને દેશ બાબતે વિચારીએ. કોઈ પણ સંબંધ દેશથી મોટો હોતો નથી. આજનું ભારત ’રાષ્ટ્ર પ્રથમ’ના આદર્શને લઈને આગળ વધી રહ્યું છે. આપણી એ જવાબદારી છે કે આપણે ઇતિહાસની દૃષ્ટિને માત્ર કેટલાક દશકો સુધી સીમિત ન રાખીએ.