મોદી સરકાર સામે પેન્શનધારકોનો રોષ, આઠ વર્ષ જૂની માંગ માટે હવે રસ્તા પર ઊતરવાની તૈયારી

  • છેલ્લા ૮ વર્ષથી દેશભરના ૭૮ લાખ પેન્શનધારકો લઘુત્તમ પેન્શન વધારવાની માંગ કરી રહ્યા છે.

કર્મચારી પેન્શન યોજના (ઇપીએસ) હેઠળ આવતા પેન્શનધારકોએ લઘુત્તમ માસિક પેન્શન વધારીને રૂ. ૭૫૦૦ કરવા સહિતની પોતાની માંગણીઓ માટે ૩૧ જુલાઈના રોજ વિરોધ પ્રદર્શન કરવાનો નિર્ણય કર્યો છે. ઇપીએસ-૯૫ રાષ્ટ્રીય સંઘર્ષ સમિતિના ચેરમેન કમાંડર અશોક રાઉતે માહિતી આપતા જણાવ્યું કે, લાંબા સમય સુધી નિયમિત પેન્શન નિધિમાં યોગદાન કર્યા છતાં પેન્શનધારકોને એટલું ઓછું પેન્શન મળી રહ્યું છે કે, તેમને પોતાનું ગુજરાન ચલાવવું મુશ્કેલ છે. તેમણે કહ્યું કે, છેલ્લા ૮ વર્ષથી દેશભરના ૭૮ લાખ પેન્શનધારકો લઘુત્તમ પેન્શન વધારવાની માંગ કરી રહ્યા છે. પરંતુ સરકાર દ્વારા તેમની માંગ પર હજું સુધી સુનાવણી કરવામાં નથી આવી.

તેમણે જણાવ્યું કે, હાલમાં પેન્શનધારકોને સરેરાશ માસિક રૂ. ૧,૪૫૦ પેન્શન મળી રહ્યું છે. પેન્શનધારકો મોંઘવારી ભથ્થા સાથે મૂળ પેન્શન વધારીને રૂ. ૭૫૦૦ પ્રતિ માસ કરવા અને પેન્શનધારકોના લાઈફ પાર્ટનર (પતિ કે પત્ની)ને મફત આરોગ્ય સંબંધિત સુવિધાઓ પૂરી પાડવા સહિતની અન્ય માંગ કરી રહ્યા છે. રાઉતે કહ્યું કે, પીએમ મોદી સાથે બે વખત અને નાણા મંત્રી તથા શ્રમ મંત્રી સાથે વાતચીત કર્યા બાદપણ હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં નથી આવી. જેના કારણે પેન્શનધારકોમાં નિરાશા વધી છે. તમને જણાવી દઈએ કે પેન્શનધારકો દ્વારા લાંબા સમયથી પેન્શનની રકમ વધારવાની માંગ કરવામાં આવી રહી છે.

તેમણે કહ્યું કે, હવે અમે એ જ રાજકીય પક્ષોને સમર્થન આપીશું જેઓ અમારી સમસ્યાઓના ઉકેલ લાવવા માટે આગળ આવશે. અમારો સંઘર્ષ ચાલુ રહેશે. સંઘર્ષ સમિતિના રાષ્ટ્રીય સચિવ રમેશ બહુગુણાએ કહ્યું કે, સમિતિની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક ૨૯ અને ૩૦ જુલાઈએ દિલ્હીમાં યોજાઈ રહી છે. જેમાં પેન્શનધારકોની માંગણીઓ અંગે ચર્ચા કરવામાં આવશે. જો માંગણીઓ પૂરી કરવામાં નહીં આવે તો ૩૧મી જુલાઈ અને ૧લી ઓગસ્ટના રોજ જંતર-મંતર ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવશે, જેમાં દેશભરના પેન્શનધારકો સામેલ થશે.

નોંધનીય છે કે, ઇપીએસ(કર્મચારી પેન્શન યોજના), ૯૫ હેઠળ આવતા કર્મચારીઓના મૂળ પગારના ૧૨% હિસ્સો ભવિષ્ય નિધિ (પીએફ)માં જાય છે. બીજી તરફ એમ્પલોયરના ૧૨% હિસ્સામાંથી ૮.૩૩% કર્મચારી પેન્શન યોજના (ઇપીએસ)માં જાય છે. આ ઉપરાંત પેન્શન ફંડમાં સરકાર ૧.૧૬% યોગદાન આપે છે. આ હેઠળ મળતું પેન્શન મોંઘવારી કરતાં ઘણું ઓછું છે. જેને લઈને પેન્શનધારકો પેન્શનની રકમ વધારવા માંગ કરી રહ્યા છે.