વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ જણાવ્યું હતું કે મૃદુ મુખ્યમંત્રી ક્યારે થશે મક્કમ એવું ગુજરાતના મતદારો પૂછી રહ્યા છે. ગુજરાત ભાજપ સરકારના આશિર્વાદથી બેફામ બનેલા ગુંડાઓ અને ભ્રષ્ટાચારઓ થકી ઉડતા ગુજરાત બની ગયું છે, જે આવનારી પેઢીઓ માટે ખુબજ ચિંતાનો વિષય છે. ગુજરાતના દરિયા કાંઠે છેલ્લા કેટલાક વર્ષોમાં કરોડો રૂપિયાનું ડ્રગ્સ લેન્ડ થયું છે. જેના કારણે ગુજરાત ડ્રગ્સનું લેન્ડીંગ હબ બની રહ્યું છે.
જે રીતે ડ્રગ્સની મેન્યુફેક્ચરિંગ ફેકટરીઓ પકડાઈ, ફાર્માસ્યુટીકલ કંપનીની આડમાં ડ્રગ્સની મેન્યુફેક્ચરિંગ ફેકટરીઓ પકડાય એનાથી એમ કહેવાય છે કે ગુજરાત ડ્રગ્સનું મેન્યુફેક્ચરિંગ હબ બની ગયું છે. જે રીતે ડ્રગ્સની હેરાફેરી થાય છે, વેપાર થાય છે એનાથી ગુજરાત ડ્રગ્સનું ટ્રેડીંગ હબ પણ બની રહ્યું છે. ગુજરાતમાં ઠેરઠેર ભજીયાની લારીથી લઈને આઈસ્ક્રીમના પાર્લર સુધી ડ્રગ્સ વેચાય છે, એનાથી ગુજરાત ડ્રગ્સના વેચાણ માટેનું રીટેઈલ હબ પણ બની રહ્યું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.
એક તરફ ડ્રગ્સનો કોઈ પેડલર પકડાય તે રાજ્યના ગૃહમંત્રી સાથે, રાજ્યપાલ સાથે ભાજપના પ્રદેશ અયક્ષ સાથે, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી સાથે ભાજપના અનેક મોટા નેતાઓ સાથે નજીકનો ઘરોબો ધરાવતા હોય તે રીતે ફોટા પડાવે છે. (એના દાખલા રૂપે ડ્રગ્સના પેડલર સાથે રાજ્યના ગૃહમંત્રી અને પ્રદેશ પ્રમુખ સાથેનો ફોટો દેખાડવામાં આવ્યો.) રાજ્યના ગૃહમંત્રીને ડ્રગ્સનો પેડલર જન્મદિવસની શુભેચ્છા આપતા લખે છે કે, મારા જીગરજાન મિત્ર અને મોટાભાઈને હું જન્મદિવસની શુભકામનાઓ પાઠવું છું.
જયારે ગૃહમંત્રીના ઓફિસિયલ ટ્વીટર હેન્ડલ પરથી એને જવાબ મળે છે ધન્યવાદ ભાઈ….એનો સ્પષ્ટ મતલબ થયે છે કે ડ્રગ્સના પેડ્લરો, ડ્રગ્સનો ધંધો કરતા લોકોનો નજીકનો સબંધ છે. આ જ કારણે આજે ગુજરાતમાં ખુલ્લેઆમ ડ્રગ્સ વેચાઈ રહ્યું છે અને યુવા પેઢી બરબાદ થઇ રહી છે.
રાજકોટમાં કોલેજની એક દીકરી પર બળાત્કાર કરવામાં આવ્યો એને પીંખી નાખવામાં આવી એમાં પણ ભાજપના નેતાઓ સંડોવાયેલા છે પરંતુ હદ તો ત્યારે થાય છે કે ભાજપના પ્રદેશ લેવલના એક નેતાની હોસ્પીટલમાં આવ્યા દુસ્કૃત્યો કરવામાં આવે છે તેમ છતાં એમનો વાળ પણ વાંકો નથી થતો. રાજકોટ, લોધીકામાં ગૌચરની જમીનો પચાવી પાડવામાં પણ ભાજપના નેતાઓ સંડોવાયેલા છે એની સામે સ્થાનિકો વારંવાર રજુઆતો કરે છે છતાં કોઈ કાર્યવાહી થતી નથી.
નીટ પેપર કાંડની આખા દેશમાં ચર્ચાઓ થઇ એમાં પણ ગોધરાના ભાજપના નેતા સંડોવાયેલ છે. અમદાવાદમાં જયેશ ભાવસાર કરીને ભાજપના આગેવાન દ્વારા બીજા રાજ્યોમાંથી દારૂ લાવીને ગુજરાતમાં ઘુસાડવાનું નેટવર્ક ચલાવે છે, ભાજપના બીજા એક નેતાના પુત્ર લોક્સભાની ચૂંટણી વખતે ભાજપને પ્રચાર અર્થે ગાડીઓ જોઈએ છે એમ કરી ગાડીઓ લોકો સાથે છેતરપીંડી કરી મેળવી એ ગાડીઓનું વેચાણ કરી ગીરવે મુકવામાં આવે છે એ ગીરવે મુકેલી ગાડીઓમાં દારૂ અને માંસની હેરફેર થતી હોવાની ફરિયાદો મળી છે છતાં એની સામે કાર્યવાહી થતી નથી પરંતુ લોકો જયારે રસ્તા ઉપર ઉતરે ત્યારે કાર્યવાહી થાય છે. એનો સ્પષ્ટ મતલબ છે કે ગુજરાતમાં જેટલું પણ ખોટું ચાલે છે એ બધાની અંદર ભાજપનો કેસરિયો ખેસ પહેરેલા લોકો સંડોવાયેલા છે તેમ બહાર આવી રહ્યું છે.
ભાજપના કેસરિયો ખેસ પહેરી ખુલ્લેઆમ લોકોને લુંટતા, લોકોને ડરાવતા, ધમકાવતા, અત્યાચાર અને અન્યાય કરતા ભાજપના કાર્યકરો સામે પગલા લેવામાં ક્યારે તમે મક્કમ બનશો એ ગુજરાતની જનતા પૂછી રહી છે. ગુજરાતમાં અત્યારે એક મજબુત મુખ્યમંત્રીની જરૂર છે. હિંમતવાળા મુખ્યમંત્રીની જોઈએ છીએ જે આખા ગુજરાતમાં ચોરીઓ, લુંટ, અન્યાય અને અત્યાચાર થઇ રહ્યો છે, બળાત્કાર થઇ રહ્યો છે, ભાજપનો કેસરિયો ખેસ પહેરી બેફામ થયેલા લોકો ગુજરાતના લોકોને ડરાવી-ધમકાવીને લુંટી રહ્યા છે એની સામે મક્કમ પગલા લે એવી આશા રાખીએ છીએ.