મેંગલુરુ બ્લાસ્ટની જવાબદારી ઇસ્લામિક રેઝિસ્ટન્સ કાઉન્સિલે સ્વીકારી

મેંગલુરૂ,

કર્ણાટકના મેંગલુરુમાં તાજેતરમાં ઓટો રિક્ષામાં થયેલા વિસ્ફોટમાં પોલીસે એનઆઇએને તપાસ સોંપી છે. આ સાથે દાવો કરવામાં આવ્યો હતો કે આ બ્લાસ્ટ આતંકવાદી હુમલો હતો. ત્યારે આ હુમલાની જવાબદારી ઇસ્લામિક પ્રતિકાર પરિષદે લીધી છે. આ મામલે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ પણ વાયરલ થઈ રહી છે. આમાં ઘણા મોટા દાવા કરવામાં આવ્યા છે. જોકે હવે એનઆઇએ આ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે. સોશિયલ મીડિયા પરની આ પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે ‘અમે ઇસ્લામિક રેઝિસ્ટન્સ કાઉન્સિલએ જણાવવા માગીએ છીએ કે અમારા એક મુજાહિદ ભાઈ મોહમ્મદ શારીકે મેંગલુરુમાં ભગવા આતંકવાદીઓના ગઢ એવા કાદરીમાં (દક્ષિણ કન્નડ જિલ્લામાં) હિન્દુત્વ મંદિર પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો.’

મેંગલુરુ બ્લાસ્ટમાં પકડાયેલા મુખ્ય આરોપી મોહમ્મદ શરિકને લઈને પણ પોલીસે ઘણા મોટા ખુલાસા કર્યા છે. પોલીસે જણાવ્યું છે કે, શરિક પોતાની ઓળખ છુપાવવા માટે હિન્દુ તરીકે રહેતો હતો. સોશિયલ મીડિયા પર ફરતા સંદેશમાં કહેવામાં આવ્યું છે કે, ” ઓપરેશન સફળ ન રહ્યુ, તેમ છતાં અમે તેને વ્યૂહાત્મક દૃષ્ટિકોણથી સફળ માનીએ છીએ, કારણ કે રાજ્ય અને કેન્દ્રીય ગુપ્તચર એજન્સીઓ દ્વારા વોન્ટેડ હોવા છતાં, ભાઈ (શરીક) બચવામાં સફળ રહ્યો અને હુમલાની તૈયારી કરી અને તેને અંજામ પણ આપ્યો.

સમયથી પહેલા થયેલા વિસ્ફોટ અંગે, સંગઠને કહ્યું કે, આવી આશંકા તમામ સૈન્ય અને વિવંસક કામગીરીમાં હોય જ છે. સમયથી પહેલા વિસ્ફોટ થવાના કારણે જ શરિકની ધરપકડ થઈ છે. સંગઠને એડીજીપી આલોક કુમારને પણ ચેતવણી આપી છે. સંગઠને કહ્યું છે કે, ‘ભાઈની ધરપકડ પર જે લોકો આનંદ કરી રહ્યા છે, ખાસ કરીને એડીજીપી આલોક કુમાર જેવા લોકોને અમે કહીએ છીએ કે, ‘તમારી ખુશી અલ્પજીવી રહેશે અને તમને તમારી હેરાનગતિનું ફળ ટૂંક સમયમાં મળશે. તમે અમારી નજરમાં છો. હુમલા અંગે, ઇસ્લામિક રેઝિસ્ટન્સ કાઉન્સિલેએ કહ્યું કે અમે રાજ્ય પ્રાયોજિત આતંકવાદના સૌથી ખરાબ સ્વરૂપોનો જવાબ આપી રહ્યા છીએ.’ અમે બદલો લઈ રહ્યા છીએ કેમ કે અમારી સામે ખુલ્લું યુદ્ધ જાહેર કરવામાં આવ્યું છે. દમનકારી કાયદાઓ અમને દબાવવા અને અમારા ધર્મમાં દખલ કરવા માટે પસાર કરવામાં આવે છે, અમારા નિર્દોષો જેલમાં સડતા હોય છે.

વાયરલ પોસ્ટનો જવાબ આપતા આલોક કુમારે કહ્યું, “અમે આ સંસ્થાની સત્યતા અને પોસ્ટની સામગ્રીની સત્યતા ચકાસી રહ્યા છીએ.” કર્ણાટકના શિવમોગા જિલ્લાના તીર્થહલ્લીનો રહેવાસી શરિક ૧૯ નવેમ્બરે પ્રેશર કુકર બોમ્બ લઈને ઓટોરિક્ષામાં મુસાફરી કરી રહ્યો હતો, જેમાં ડિટોનેટર, વાયર અને બેટરી લગાવવામાં આવી હતી અને વિસ્ફોટ થયો હતો. આ બ્લાસ્ટમાં તે દાઝી ગયો હતો અને શહેરની હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે. વિસ્ફોટમાં ઓટો ડ્રાઈવરને પણ ઈજા થઈ હતી. પોલીસે આ વિસ્ફોટને આતંકવાદી ઘટના ગણાવી છે.