આવતીકાલે એટલે કે, ૩૧ જૂલાઈ બુધવારના રોજો કોંગ્રેસે એક બેઠક બોલાવી છે. કોંગ્રેસ સંસદીય દળની સામાન્ય બેઠક સવારે ૧૦ વાગ્યે સેન્ટ્રલ હોલમાં યોજશે. આ બેઠકની અધ્યક્ષતા કોંગ્રેસ સંસદીય દળ અધ્યક્ષ સોનિયા ગાંધી કરશે. સોમવારે વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ મહાભારતની ઘટનાઓનો ઉલ્લેખ કરીને કેન્દ્રીય બજેટને લઈને ભારતીય જનતા પાર્ટી પર પ્રહારો કર્યા અને કહ્યું કે દેશમાં ભયનું વાતાવરણ છે.
ભાજપના પ્રતીક કમળનો ઉલ્લેખ કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે દેશ હવે ’કમળના ચક્રવ્યૂહ’માં અટવાઈ ગયો છે. લોક્સભામાં કેન્દ્રીય બજેટ ૨૦૨૪ પર બોલતા વિપક્ષી નેતાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કરતા કહ્યું કે દેશના ખેડૂતો, મજૂરો અને યુવાનો ડરી ગયા છે. રાહુલ ગાંધીએ કમળના પ્રતીકને મુખ્ય રીતે પ્રદશત કરવા બદલ વડાપ્રધાનની ટીકા કરી હતી અને દાવો કર્યો હતો કે ૨૧મી સદીમાં એક નવો માર્ગ સર્જાયો છે.
હજારો વર્ષ પહેલા કુરુક્ષેત્રમાં છ લોકોએ અભિમન્યુને ’ચક્રવ્યુહ’માં ફસાવીને મારી નાખ્યો હતો. મેં થોડું સંશોધન કર્યું અને જાણવા મળ્યું કે ’ચક્રવ્યુહ’ને ’પદ્માવ્યુહ’ તરીકે પણ ઓળખવામાં આવે છે – જેનો અર્થ થાય છે ’કમળની રચના’. ’ચક્રવ્યુહ’ કમળના આકારમાં છે. ૨૧મી સદીમાં એક નવું ’ચક્રવ્યુહ’ બનાવવામાં આવ્યું છે – તે પણ કમળના આકારમાં.
વડાપ્રધાન આ પ્રતીકને પોતાની છાતી પર ધારણ કરે છે. અભિમન્યુ સાથે જે થયું તે ભારત એટલે કે યુવાનો, ખેડૂતો, મહિલાઓ, નાના અને મયમ ઉદ્યોગો સાથે થઈ રહ્યું છે. અભિમન્યુની હત્યા છ લોકોએ કરી હતી. આજે પણ ચક્રવ્યુહના કેન્દ્રમાં છ લોકો છે. તેમણે કહ્યું, ’આજે પણ છ લોકો ભારતને નિયંત્રિત કરી રહ્યા છે. નરેન્દ્ર મોદી, અમિત શાહ, મોહન ભાગવત, અજીત ડોભાલ, અંબાણી અને અદાણી.
વિપક્ષના નેતાએ કહ્યું કે બજેટે મયમ વર્ગ પર હુમલો કર્યો છે, જેઓ વડાપ્રધાન મોદીના કહેવા પર ઉત્સાહથી થાળીઓ વગાડતા હતા. વિપક્ષના નેતાએ બજેટ ભાષણમાં પેપર લીકના મુદ્દાનો ઉલ્લેખ ન કરવા બદલ નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ પર હુમલો કર્યો અને કહ્યું કે તે ’યુવાનોને અસર કરતો સૌથી મોટો મુદ્દો’ છે. રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો, ’છેલ્લા ૧૦ વર્ષમાં દેશમાં પેપર લીકના ૭૦ મામલા સામે આવ્યા છે.’