લુણાવાડાના નવા રાબડીયા બીડ ફળિયામાં કાચા રસ્તાના કારણે રહિશો પરેશાન

લુણાવાડા તાલુકાના નવા રાબડીયા ગ્રામ પંચાયત હસ્તકના બીડ ફળિયામાં છેલ્લા કેટલાય સમયથી રહિશો પાકા રસ્તાની સુવિધાથી વંચિત છે. જેના કારણે શાળામાં તેમજ આંગણવાડીમાં જતા નાના ભુલકાઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

નવા રાબડીયા ગામના ભીડ ફળિયાનો રસ્તો આજદિન સુધી કયારેય પાકો બનાવાયો નથી. તેમજ ફળિયામાં પણ વિકાસના નામે મીંડુ જોવા મળી રહ્યુ છે. આ બાબતે સ્થાનિક રહિશોએ વારંવાર રજુઆતો કરવા છતાં આજદિન સુધી પાકા રસ્તાની સુવિધા અપાઈ નથી. ફળિયામાં કોઈ આકસ્મિક ધટના બને કે કોઈ ઈમરજન્સી બિમારીનો કેસ આવે ત્યારે એમ્બ્યુલન્સ પણ ફળિયામાં જઈ શકતી નથી. જેને લઈને ગ્રામજનો આક્રોશ ઠાલવી રહ્યા છે. કાચા રસ્તાના કારણે ચોમાસામાં રોડ પર કાદવ-કિચડનુ સામ્રાજય બની જાય છે. જેના કારણે શાળા કે આંગણવાડીએ જતાં નાના બાળકોને પણ કિચડમાં થઈ પસાર થવુ પડે છે. ત્યારે આ ફળિયામાં પાકો રસ્તો બનાવાય તેવી માંગ ઉઠવા પામી છે.