કાલોલની વૃંદાવન પાર્ક-2 સોસાયટીમાં ચાર ઈસમો મોંઢુ ઢાંકીને મોટરસાયકલ ઉપર પ્રવેશ કરે છે. અને જોગીન્દરસિંહ દુધાનીના ધર આંગણે પાર્ક કરેલ બોલેરો ગાડીને પેટ્રોલ છાંટી આગ લગાડી ભાગી જાય છે. સમગ્ર ધટના જોગીન્દરસિંહના ધરે લાગેલા સીસીટીવી કેમેરામાં અને અન્ય એક સીસીટીવી કેમેરામાં કેદ થઈ જાય છે. સમગ્ર બાબતે જોગીન્દરસિંહ દુધાનીએ કાલોલ પોલીસ સ્ટેશને જાણ કરતા જણાવ્યુ હતુ કે,પાવાગઢના બે સરદારજીએ થોડાક સમય પહેલા તાલુકા પંચાયત કચેરી પાસે ચાની લારી પર જોગીન્દરસિંહ ઉપર હુમલો કર્યો હતો.
જે અંગેનો કેસ પાછો ખેંચી લેવા અવાર નવાર પોતાને ધમકીઓ આપતા હોવાથી હાલોલના પાવાગઢ રોડ જાંબુવાડીના બે ઈસમો અને ભાદરવાના બે ઈસમોએ અંગત અદાવત રાખીને આ કૃત્ય કર્યુ હોવાનો આક્ષેપ કર્યો હતો. જયારે પોલીસે ફરિયાદ નોંધાવતા પુર્વ ઉંડાણપુર્વક તપાસ શરૂ કરી હોવાનુ જાણવા મળેલ છે. અને પુરાવા મળ્યેથી ફરિયાદ દાખલ કરવામાં આવશે તે વિગતો જાણવા મળેલ છે. ત્યારે ધરઆંગણે મુકેલ ગાડીને પેટ્રોલ છાંટી સળગાવવાની અત્યંત ગંભીર ધટના બાદ પોતાને જીવનુ જોખમ હોય આ બાબતે નકકર કાર્યવાહી થાય તેવી જોગીન્દરસિંહે માંગ કરી છે. હાલ પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે.