સીબીઆઇ કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની નિયમિત જામીન અરજી પર દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી ચાલી . સીબીઆઈ તરફથી હાજર રહેલા એડવોકેટ ડીપી સિંહે કોર્ટને જણાવ્યું કે ટ્રાયલ કોર્ટમાં કેજરીવાલ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. સીબીઆઈના વકીલે દલીલ કરી હતી કે માત્ર ચાર્જશીટ દાખલ કરવાથી કેજરીવાલને નિયમિત જામીન મળતા નથી.
સીબીઆઈએ દિલ્હી હાઈકોર્ટને જણાવ્યું કે જેમ જેમ તેમની તપાસ આગળ વધી રહી છે તેમ તેમ તેમને અરવિંદ કેજરીવાલ સાથે સંબંધિત વધુ પુરાવા મળ્યા છે. આજે દાખલ કરાયેલી ચાર્જશીટમાં કેજરીવાલ સહિત છ લોકોના નામ છે, પરંતુ તેમાંથી પાંચની હજુ સુધી ધરપકડ કરવામાં આવી નથી.
સીબીઆઈએ દારૂ કૌભાંડ કેસમાં અરવિંદ કેજરીવાલ સહિત આ ૬ લોકો વિરુદ્ધ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે. જેમાં પી. સરથ ચંદ્ર રેડ્ડી, દુર્ગેશ પાઠક, વિનોદ ચૌહાણ, આશિષ માથુર, અમિત અરોરા અને અરવિંદ કેજરીવાલના નામ સામેલ છે.
એડવોકેટ ડીપી સિંહે કહ્યું કે સીબીઆઈએ દિલ્હી હાઈકોર્ટને કહ્યું કે તેઓએ તેમની તપાસ પૂર્ણ કરી છે અને એક મહિનામાં ચાર્જશીટ દાખલ કરી છે. તેમણે દાવો કર્યો હતો કે અરવિંદ કેજરીવાલ એક્સાઇઝ પોલિસી કૌભાંડના મુખ્ય આકટેક્ટ છે.
વકીલે કહ્યું કે કેબિનેટના વડા તરીકે અરવિંદ કેજરીવાલે એક્સાઇઝ પોલિસી પર હસ્તાક્ષર કર્યા છે. તેના સાથીદારોને મોકલી અને એક દિવસમાં તેમની સહીઓ મેળવી લીધી. આ બધું કોરોના મહામારી દરમિયાન થયું હતું.
સીબીઆઈના વકીલે વધુમાં જણાવ્યું હતું કે મનીષ સિસોદિયા હેઠળના આઈએએસ અધિકારી સી. અરવિંદે જુબાની આપી હતી કે વિજય નાયર એક્સાઈઝ પોલિસીની કોપી કમ્પ્યુટરમાં દાખલ કરવા માટે લાવ્યા હતા અને તે સમયે અરવિંદ કેજરીવાલ હાજર હતા. સીબીઆઈના મતે આ કેસમાં કેજરીવાલની સીધી સંડોવણી દર્શાવે છે.
સીબીઆઈએ કહ્યું કે અમે આ કેસમાં ૪૪ કરોડ રૂપિયાની રકમ શોધી કાઢી છે. આ પૈસા ગોવા ગયા. કેજરીવાલે પોતે પોતાના ઉમેદવારોને કહ્યું કે પૈસાની ચિંતા ન કરો, ચૂંટણી લડો. CBI કહ્યું પૈસા ગોવામાં ગયા, ખર્ચ કોણ કરશે? અમારી પાસે પુરાવા છે કે તમામ ઉમેદવારોને ૯૦ લાખ રૂપિયા આપવાના હતા.
સીબીઆઈએ કોર્ટમાં કહ્યું કે કેજરીવાલના વકીલ કહે છે કે એકવાર ચાર્જશીટ દાખલ થઈ જાય પછી વ્યક્તિને જેલના સળિયા પાછળ ન રાખવો જોઈએ. આ એક કથા છે જે રચવામાં આવી છે. કોર્ટ તેને જેલના સળિયા પાછળ રાખી શકે છે જેથી તેનો કેસ ઓછામાં ઓછા સમયમાં પૂરો થઈ શકે. કેટલાક સંજોગો એવા હોય છે જેમાં હાઈકોર્ટ સીધી જામીન પર સુનાવણી કરી શકે છે. પરંતુ હાઈકોર્ટ જામીન પર સુનાવણી કરનાર પ્રથમ કોર્ટ બની શકે નહીં.
આ કેસમાં આ અંતિમ ચાર્જશીટ છે. અમે ટ્રાયલ શરૂ કરવા માટે તૈયાર છીએ.આના પર કેજરીવાલના વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું, ’મેં પહેલા પણ કહ્યું હતું કે આ બીજું કંઈ નહીં પરંતુ વીમા ધરપકડ છે. ઈડ્ઢ કેસમાં તેને કોઈને કોઈ સ્વરૂપે જામીન મળ્યા છે. સીબીઆઈ દ્વારા ધરપકડ કરવામાં આવી ત્યારથી અત્યાર સુધી કોઈ સાક્ષીને રૂબરૂ કરવામાં આવ્યા નથી. એક ચુકાદાને ટાંકીને સિંઘવીએ કહ્યું કે સીઆરપીસીની કલમ ૧૬૦ માત્ર સાક્ષીઓ સાથે વ્યવહાર કરે છે અને આ જોગવાઈ હેઠળ સીબીઆઈ દ્વારા કેજરીવાલને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા.