વિદેશી રોકાણકારો ભારતીય શેરબજારમાં મોટા પ્રમાણમાં રોકાણ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (એફપીઆઇ) એ ૨૬ જુલાઈ સુધી ભારતીય ઈક્વિટી અને ડેટમાં ૫૨,૯૧૦ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. છેલ્લા કેટલાક મહિનાઓથી એફપીઆઇ ભારતીય શેરબજારમાં સતત ખરીદી કરી રહ્યા છે. તાજેતરમાં જાહેર કરાયેલ યુનિયન બજેટ ૨૦૨૪-૨૫માં ઇક્વિટી માર્કેટમાં સ્થિરતા વધારવા પર ફોક્સ કરવામાં આવ્યું છે. નેશનલ સિક્યુરિટી ડિપોઝિટરી લિમિટેડના ડેટા અનુસાર,એફપીઆઇએ આ મહિનાની શરૂઆતથી (૨૬ જુલાઈ સુધી) ઈક્વિટીમાં રૂ. ૩૩,૬૮૮ કરોડ અને ડેટમાં રૂ. ૧૯,૨૨૨ કરોડનું રોકાણ કર્યું છે.
આ વર્ષની શરૂઆતથી, એફપીઆઇએ ઇક્વિટીમાં રૂ. ૩૬,૮૮૮ કરોડ અને ડેટમાં રૂ. ૮૭,૮૪૬ કરોડનું રોકાણ કર્યું છે. વિશ્લેષકોનું કહેવું છે કે રિટેલ રોકાણકારો સતત ભારતીય શેર ખરીદી રહ્યા છે. તે જ સમયે, વિદેશી રોકાણકારો પણ પાછા ફર્યા છે, જેના કારણે શેરબજારમાં સેન્ટિમેન્ટ સકારાત્મક છે. નિષ્ણાતોનું કહેવું છે કે સરકારે બજેટમાં પરોક્ષ કરના નિયમોને સરળ બનાવ્યા છે.
બજેટમાં શોર્ટ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ ૧૫ ટકાથી વધારીને ૨૦ ટકા કરવામાં આવ્યો છે. તે જ સમયે, લોંગ-ટર્મ કેપિટલ ગેન્સ ટેક્સ ૧૦ ટકાથી વધારીને ૧૨.૫ ટકા કરવામાં આવ્યો છે. પેન્ટોમથ કેપિટલ એડવાઇઝર્સે જણાવ્યું હતું કે કેપિટલ ગેઇન્સ ટેક્સમાં વધારો ટૂંકા ગાળામાં બજારને અસર કરી શકે છે, પરંતુ લાંબા ગાળાના પ્રવાહ પર તેની કોઈ અસર નહીં થાય. બજેટમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે રૂ. ૧૧.૧૧ લાખ કરોડની ફાળવણી કરવામાં આવી છે, જે અર્થતંત્રને મોટો વેગ આપશે. ભારત વિશ્ર્વમાં સૌથી ઝડપથી વિક્સતું અર્થતંત્ર છે. નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં ભારતનો જીડીપી વૃદ્ધિ દર ૮.૨ ટકા હતો.