સંસદમાં રાજ્યસભામાં ગુજરાતના કોંગ્રેસનાં સાંસદ શક્તિસિંહ ગોહિલે ઝીરો અવર નોટિસમાં ગુજરાતમાં વરસાદના લીધે થયેલી ભારે તારાજીનો અને જરૂરી પગલાં લેવામાં સરકારની નિષ્ફળતાનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ગુજરાતમાં જોવા મળતી ભારે વરસાદ પછી પાણી ભરાવવાની સમસ્યા ભાજપ સરકારના ભ્રષ્ટાચારને આભારી છે. ગુજરાતના લગભગ દરેક શહેરોમાં ભાજપની સરકારના અણઘડ આયોજન અને ભ્રષ્ટાચારી તથા તઘલખી વહીવટના લીધે લોકો પાણી ભરાવવાની સમસ્યાથી પરેશાન થઈ રહ્યા છે. ગુજરાતની પ્રજા પાણીમાં ડૂબેલી છે તો રાજ્યમાં ભાજપની સરકાર ભ્રષ્ટાચારમાં ડૂબેલી છે.
ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદને કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે, ખેડૂતોનો પાક બરબાદ થયો છે અને જનજીવનને માઠી અસર પહોંચી છે. વરસાદી પાણીના નિકાલને બદલે ભારતીય જનતા પાર્ટીના શાસકો અને અધિકારીઓની મિલીભગતથી નિર્ભયપણે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, જેના કારણે શહેરો અને નગરોમાંથી વરસાદી પાણીનો નિકાલ થતો નથી અને લોકોના ઘર, ધંધા-રોજગારના સ્થળોમાં પાણી ભરાઈ ગયા છે, અકલ્પનીય નુક્સાન પહોંચાડ્યું છે.