સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં આજે તા. ૨૯ જુલાઈના રોજ સવારે ૮ થી ૧૦માં પાંચ ઇંચથી વધુ જયારે સવારે ૬ થી ૮માં મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં ૪ ઇંચ વરસાદ ખાબક્યો છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ખેડા જિલ્લાના નડીયાદ તાલુકામાં ૪ ઇંચ, વસો તાલુકામાં ૩ ઇંચ, દાહોદ જિલ્લાના દાહોદ તાલુકામાં ૩ ઇંચ, જ્યારે મહિસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં ૩ ઇંચ વરસ્યો છે.
રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના અહેવાલ મુજબ મહુધા, ઝાલોદ, મોરવા-હડફ, લુણાવાડા, સિંગવડ, ફતેહપુરા અને કડાણા મળીને કુલ સાત તાલુકાઓમાં બે-બે ઇંચ વરસાદ પડ્યો છે. પેટલાદ, આણંદ, સોજીત્રા, મહેમદાવાદ, ખેડા, લીમખેડા, વીરપુર, દેવગઢ બારિયા, કપડવંજ અને માતર મળીને કુલ ૧૦ તાલુકાઓમાં એક-એક ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે રાજ્યના ૨૫ તાલુકાઓમાં અડધો ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે.
તલોદ, હિંમતનગર, મેઘરજ તાલુકામાં ત્રણ ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત માણસા, મહેસાણા, ખાનપુર, જોટાણા મળીને કુલ ચાર તાલુકામાં બે બે ઇંચ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે. આ ઉપરાંત આજે તા.૨૯ જુલાઇ, ૨૦૨૪ના રોજ સવારે ૬ કલાકની સ્થિતિએ રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ ૫૫ ટકાથી વધુ નોંધાયો છે. જેમાં કચ્છ ઝોનમાં સૌથી વધુ ૭૫ ટકા વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર ઝોનમાં કુલ ૭૩ ટકા, દક્ષિણ ગુજરાતમાં ૬૭ ટકા, પૂર્વ-મય ગુજરાતમાં ૩૭ ટકા અને ઉત્તર ગુજરાતમાં ૩૦ ટકા જેટલો મોસમનો કુલ સરેરાશ વરસાદ વરસ્યો છે.