ધવનને આઉટ કરી સાઉથીએ રચ્યો ઈતિહાસ, ૨૦૦ વિકેટ લેનાર વિશ્વ નો પ્રથમ ખેલાડી બન્યા

ઓકલેન્ડ,

ટિમ સાઉથીની ગણતરી વિશ્વના દિગ્ગજ બોલરોમાં થાય છે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ૩ મેચની વનડેે શ્રેણીની પ્રથમ મેચમાં ભારતના ઓપનર બેટ્સમેન અને કેપ્ટન શિખર ધવનને ૭૨ રને આઉટ કરી ન્યુઝીલેન્ડના અનુભવી બોલર ટીમ સાઉથીએ કમાલ કર્યો હતો. ધવનને આઉટ કરતાની સાથે જ તેણે કારકિર્દીની ૨૦૦ વિકેટ પૂરી કરી હતી.

ન્યૂઝીલેન્ડનો ૩૩ વર્ષીય ફાસ્ટ બોલર ટિમ સાઉથી ટેસ્ટમાં ૩૦૦થી વધુ,વનડેમાં ૨૦૦થી વધુ અને ટી 20 ઈન્ટરનેશનલમાં ૧૦૦થી વધુ વિકેટ લેનારો વિશ્વ નો એકમાત્ર બોલર બની ગયો છે. ભારત સામે પ્રથમ વનડેમેચ પહેલા તેણે ૧૪૮ વનડેમાં ૩૪ની એવરેજથી ૧૯૯ વિકેટ ઝડપી હતી. ૩૩ રનમાં ૭ વિકેટ તેનું શ્રેષ્ઠ પ્રદર્શન હતું. તેણે ૫ વખત ૪ વિકેટ અને ૩ વખત ૫ વિકેટ લેવાનું પરાક્રમ કર્યું છે.

ટિમ સાઉથીએ અત્યાર સુધી ૮૮ ટેસ્ટની ૧૬૬ ઇનિંગ્સમાં ૨૯ની એવરેજથી ૩૪૭ વિકેટ ઝડપી છે. ૬૪ રનમાં ૭ વિકેટ તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. ૧૪ વખત ૫ વિકેટ અને એક વખત ૧૦ વિકેટ લીધી છે. ટી 20 ઇન્ટરનેશનલના રેકોર્ડ પર નજર કરીએ તો, સાઉદીએ ૧૦૭ ટી 20 મેચમાં ૧૩૪ વિકેટ લીધી છે.ટી ૨૦માં તે સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. ૧૮ રનમાં ૫ વિકેટ ટી 20 માં તેનું શ્રેષ્ઠ પ્રદર્શન છે. તેણે ટી 20 માં એકવાર ૪ વિકેટ અને એક વખત ૫ વિકેટ લીધી છે. સાથે જ તેણે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ૫૦૦ થી વધુ વિકેટ લીધી છે.

ન્યુઝીલેન્ડના વનડેના રેકોર્ડ પર નજર કરીએ તો માત્ર ૫ બોલર જ ૨૦૦થી વધુ વિકેટ લઈ શક્યા છે. ભૂતપૂર્વ કેપ્ટન અને ડાબોડી સ્પિનર ડેનિયલ વેટોરીએ સૌથી વધુ ૨૯૭ વિકેટ લીધી છે. જ્યારે કાયલ મિલ્સે ૨૪૦, ક્રિસ હેરિસે ૨૦૩ અને ક્રિસ કેઈન્સે ૨૦૦ વિકેટ ઝડપી છે.