પીપલોદ ગામે શોપિંગ સેન્ટરની 6 દુકાનોના સીલ રાતોરાત અનસીલ કરાતા તર્કવિતર્ક

દે.બારીઆ તાલુકાના પીપલોદ ગામે બસ સ્ટેન્ડ ખાતે આવેલ શોપિંગ સેન્ટરની ગ્રામ પંચાયત દ્વારા સીલ કરવામાં આવેલ છ દુકાન આખરે ઓચિંતા સીલ ખોલી દેવાતા ગ્રામજનોમાં ભારે આશ્ર્ચર્ય ફેલાયુ છે.

પીપલોદ ગામ ખાતે બસ સ્ટેન્ડ સામે આવેલ રૂદ્રાક્ષ કોમ્પલેક્ષની છ જેટલી દુકાન ચાલકોને ગ્રામ પંચાયત પીપલોદ દ્વારા ત્રણ જેટલી નોટિસો આપવામાં આવી હતી. જે નોટિસમાં બાંધકામને લગતી માહિતી, ફાયર સેફટી સુવિધા અને દુકાનોના લાયસન્સ અંગે પુર્તતા કરવા માટે જરૂરી માહિતી માંગી હતી. પરંતુ ત્રણ વાર નોટિસની બજવણી થયા પછી પણ કોઈપણ દુકાનદારો ગ્રામ પંચાયત દ્વારા મળેલ નોટિસનો જવાબ કે ખુલાસો આપી શકયા ન હતા. જેથી ગ્રામ પંચાયત પીપલોદ દ્વારા ઉપરી અધિકારીના હુકમ સાથે તા.22/07/2024 છ જેટલી દુકાનોને સીલ માર્યુ હતુ. ગ્રામ પંચાયત પીપલોદ દ્વારા છ દુકાનનુ સીલ હોવાની વાત ચારેકોર ફેલાઈ ચુકી હતી. કોઈપણ જવાબદાર અધિકારીની હાજરી વગર સીલ મારેલ છ જેટલી દુકાનોના તાળા ઓચિંતા ગ્રામ પંચાયત દ્વારા ખોલી દેવામાં આવતા પીપલોદ બજારમાં અનેક ચર્ચાઓએ જોર પકડ્યુ છે. માત્ર પાંચ જ દિવસમાં સીલ ખોલી દેવાતા અનેક તર્કવિતર્ક સર્જાયા છે.