- મંત્રીએ શિક્ષકમિત્રો દ્વારા ઊભા કરવામાં આવેલ વિવિધ સ્ટોલની મુલાકાત લીધી.
- બિન સાક્ષરોને સાક્ષર કરી સમાજને યોગદાન આપીને શિક્ષણનું મહાદાન આપવાનો સરકારનો પ્રયાસનું બીજું નામ એટલે ‘ઉલ્લાસ મેળો’.
- આપણા સમાજની દિશા અને દશા બદલવા અને પ્રૌઢ શિક્ષણને સાર્થક કરવામાં સરસ્વતીના ઉપાસકો એવા શિક્ષક મિત્રો વગર એ શક્ય નથી : મંત્રી ડો. કુબેરભાઈ ડીંડોર.
- ઉત્કર્ષ અને સ્વાવલંબનનું બીજું નામ એટલે શિક્ષણ. ગુજરાતના તમામ સ્વયંસેવી શિક્ષકો છે મક્કમ.
દાહોદ જીલ્લાના ઝાલોદ તાલુકાની નારાયણી પબ્લિક સ્કૂલ ખાતે નવ ભારત સાક્ષરતા કાર્યક્રમ અંતર્ગત વરસાદી માહોલ વચ્ચે કેબિનેટ મંત્રી ડો. કુબેરભાઈ ડીંડોરની ઉપસ્થિતિ હેઠળ પ્રાર્થના ગીત દ્વારા રાજ્ય કક્ષાનો ઉલ્લાસ મેળો યોજવામાં આવ્યો હતો. બિન સાક્ષરોને સાક્ષર કરી સમાજને યોગદાન આપીને શિક્ષણનું મહાદાન આપવાનો સરકારનો પ્રયાસનું બીજું નામ એટલે ’ઉલ્લાસ મેળો’.
આ કાર્યક્રમની શરૂઆતમાં મંત્રીએ શાળા પ્રાંગણમાં નવ ભારત સાક્ષરતા હેઠળ તૈયાર કરાયેલા વિવિધ સ્ટોલની મુલાકાત લીધી હતી.ઉત્કર્ષ અને સ્વાવલંબનનું બીજું નામ એટલે શિક્ષણ. ગુજરાતના તમામ સ્વયંસેવી શિક્ષકો છે મક્કમ. કાર્યક્રમને દાહોદની સંસ્કૃતિની ઓળખ એવા આદિવાસી નૃત્યની સાથે ખુલ્લો મુકવામાં આવ્યો હતો.
મંત્રી ડો. કુબેરભાઈ ડીંડોરએ પ્રાસંગિક વ્યક્તવ્ય આપતા કહ્યું હતું કે, સામાજીક ન્યાય, રાષ્ટ્રીય એકતા સાથે વૈશ્ર્વિક સ્તરે ભારતની પ્રગતિ થઇ રહી છે. ત્યારે આપણે બધાએ એક થઈને ભારતના આ પ્રગતિને આગળ વધારવા માટે આપણા તરફથી પણ ફાળો આપીને સમાજના ઉત્થાન માટેના અભિયાનને સફળ બનાવવા માટેના પ્રયત્નો કરીએ. સમાજના વિકાસનો મૂળ પાયો શિક્ષણ છે, જો પાયો જ મજબુત હશે તો સમાજનો વિકાસ નિશ્ચિત છે અને એને માટે આપણે સૌએ જાગ્રત થવાની જરૂર છે. એક નાગરિક તરીકેની આપની પહેલી ફરજ અને જવાબદારી એ બને છે કે, આપણે આપણા સમાજને શિક્ષિત બનાવીને આગળ લાવીએ.
વધુમાં મંત્રીએ ઉમેર્યું હતું કે, ક્ધયા કેળવણી, શાળા પ્રવેશોત્સવ અને બાલ વાટિકા જેવા કાર્યક્રમો થકી સરકાર આપણા બાળકો નાનપણથી જ શિક્ષિત બનીને પોતાનો પાયો મજબુત બનાવે એના પર વિશેષ ભાર મૂકી રહી છે, શિક્ષણ એ માનવીની મૂળભૂત જરૂરિયાત છે. સમાજને ઉપર લાવવા અંકજ્ઞાન, નાણાકીય સાક્ષરતા, વ્યવસાયિક કૌશલ્યોના વિકાસ માટે પ્રથમ તો સમાજનું શિક્ષિત હોવું ખુબ જ જરૂરી છે. એક શિક્ષિત વ્યક્તિ અન્ય અશિક્ષિત વ્યક્તિને શિક્ષિત કરવા માધ્યમ બનવા દરેક શિક્ષિત વ્યક્તિ સંકલ્પ લઈને પ્રૌઢ શિક્ષણના આ અભિયાનમાં જોડાઈને એને સફળ બનાવવા ભાગીદારી આપીએ. આમ ,આ રીતે જ આપણા સમાજના દિશા અને દશા બદલાશે. અને એને સાર્થક કરવામાં સરસ્વતીના ઉપાસકો એવા શિક્ષક મિત્રો વગર એ શક્ય નથી.
આ કાર્યક્રમ દરમ્યાન જી. સી. આર. ટી. ના નાયબ નિયામકએ વાંચન – લેખન અને ગણનનું મહત્વ સમજાવતાંની સાથે સરકાર દ્વારા શરૂઆતથી અત્યાર સુધી કરવામાં આવેલ સામાજીક શિક્ષણ કાર્યક્રમનાં વિવિધ પાસાંઓની વર્ષવાર વિસ્તાર પૂર્વક જાણકારી આપીને ટેક્નોલોજીની મદદથી ઉલ્લાસ મેળાનો મૂળ હેતુ સાકાર કરવા માટેની સમગ્રતયા જાણકારી આપી હતી.
આ કાર્યક્રમ નિમિતે દીક્ષા અને ઉલ્લાસની શિક્ષણ માટેની મોબાઈલ એપ અંગેની ઓનલાઇન માહિતી આપતી પી. પી. ટી. પ્રસ્તુત કરવામાં આવી હતી. જે દરમ્યાન ઓનલાઇન સાથે ઓફલાઈન પણ શિક્ષણ કઈ રીતે આપી શકાય તે માટેની સમજણ આપવામાં આવી હતી. જેમાં દીક્ષા પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવા સહિત સ્ટેપ બાય સ્ટેપ તમામ પ્રકારની રજૂ કરવામાં આવી હતી.
‘બેટી બચાવો – બેટી પઢાવો’ વિષય હેઠળ મહિલા અધ્યાપન મંદિર, ઝાલોદની બહેનો દ્વારા નાટકની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. જેમાં ક્ધયાઓના અભ્યાસને વેગ આપવાની વાતને નાટક દ્વારા ખુબ જ સુંદર રીતે રજુ કરવામાં આવી હતી. એ ઉપરાંત સાબરકાંઠા અને અરવલ્લીનો સાક્ષરતાનો ગરબો તેમજ નાટક પણ રજુ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કાર્યક્રમના અંતે જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બારિયા દ્વારા આભારવિધિ કરીને કાર્યક્રમની પુર્ણાહુતી કરવામાં આવી હતી.
આ કાર્યક્રમ દરમ્યાન જીલ્લા કલેકટર યોગેશ નિરગુડે, પ્રાથમિક અને નિરંતર શિક્ષણના નિયામક એમ. આઈ. જોશી, જી. સી. આર. ટી. નાયબ નિયામક, જીલ્લા શિક્ષણ અધિકારી એસ. એલ. દામા, નાયબ પોલીસ અધિક્ષક એસ. બી. રાઠોડ, અરવલ્લી ડી.ઈ.ઓ. ઉષાબેન ગામીત, જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બારિયા, પ્રાંત અધિકારી ઝાલોદ એ. કે. ભાટિયા, મામલતદાર સહિત પશ્ચિમ રેલવેના ડીરેક્ટર રીતેશભાઇ તેમજ શિક્ષકમિત્રો ઉપસ્થિત રહ્યા હતા.