દાહોદ શહેર અને જીલ્લામાં ગાજવીજ સાથે વરસાદથી ખેડુતોમાં આનંદ

દાહોદ શહેર સહિત જીલ્લામાં ભારે વરસાદની આગાહી તથા છેલ્લા એક અઠવાડિયાના ઝરમર વરસાદ બાદ મોડી રાતે ભારે ગાજવીજ સાથે મેઘરાજા મન મૂકીને વરસતા ધરતીપુત્રોમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી છે. મોડી રાતે જીલ્લામાં સૌથી વધુ 88 મિલિમિટર એટલે કે સાડા ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે સૌથી ઓછો ગરબાડામાં 15 મીમી વરસાદ નોંધાયાના સત્તાવાર અહેવાલો છે.

દાહોદ જીલ્લામાં મોડો મોડો પણ મેઘો મન મૂકીને મહેરબાન થયો છે. દાહોદ જીલ્લામાં ભારે વરસાદની આગાહી હોવા છતાં છેલ્લા એક અઠવાડિયાથી જીલ્લામાં ઝરમર વરસાદ રહેતા કાદવનુ સામ્રાજ્ય ઊભું થતાં રોગચાળાનો ભય ઊભો થયો હતો. પરંતુ ગત મોડી રાતે ભારે ગાજવી સાથે મેઘરાજાએ સતત બે કલાક સુધી તોફાની બેટિંગ કરતા દાહોદમાં 88 મિલી મીટર એટલે કે સાડા ત્રણ ઇંચ વરસાદ ખાબકતા શહેરના નીચાણ વાળા વિસ્તારોમાં લોકોના ઘરોમાં પાણી ભરાયા હતા.

તેમજ શહેરના સ્ટેશન રોડ પર પણ જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાતા થોડા સમય માટે વાહન વ્યવહાર ખોરવાયો હતો. ભારે વરસાદને પગલે શહેરના કેટલાક રસ્તાઓ પર મસ મોટા ખાડા પડી જતા અકસ્માત નો ભય વધવા પામ્યો છે. જ્યારે શહેરની દૂધીમતી નદીમાં નવા નીર આવતા બે કાંઠે વહેતી થવા પામી છે. આજના ભારે વરસાદને પગલે ધરતીપુત્રોમાં ખુશી પ્રસરી જવા પામી છે. તેમજ સારા પાકની આશા બંધાઈ છે.

ગત મોડી રાતે દાહોદ શહેર સહિત જીલ્લામાં સાવર્ત્રિક વરસાદ પડ્યો હતો. જેમાં જીલ્લાના ફતેપુરામાં 48 મી.મી, ઝાલોદમાં 69 મી.મી., લીમખેડામાં 32 મી.મી, દાહોદમાં 88 મી.મી, ગરબાડામાં 25 મી.મી, દેવગઢ બારીઆમાં 28મી.મી, ધાનપુરમાં 20 મી.મી, સંજેલીમાં 22મી.મી, તથા સિંગવડમાં 48 મી.મી. વરસાદ નોંધાયો હતો. જ્યારે આજે સવારે દાહોદમાં 7 મી.મી, ગરબાડામાં 2 મી.મી તથા દેવગઢ બારીઆમાં 4 મી.મી વરસાદ પડ્યો હતો. આમ અત્યાર સુધીમાં જીલ્લાના ફતેપુરામાં 213મી.મી, ઝાલોદમાં 340 મી.મી, લીમખેડામાં 249 મી.મી, દાહોદમાં 359 મી.મી, ગરબાડામાં 175 મી.મી, દેવગઢ બારીઆમાં 182 મી.મી, ધાનપુરમાં 163મી.મી, સંજેલીમાં 226 મી.મી, તથા સિંગવડમાં 228 મી.મી વરસાદ નોંધાયો છે.