આંધ્રપદેશમાં માછીમારની જાળમાં ફસાઈ ૧૫૦૦ કેજીની મહાકાય વ્હેલ શાર્ક

આંધ્રપ્રદેશના માછલીપટ્ટનમમાં એક વિશાળ વ્હેલ શાર્ક, જેનું વજન ૧૫૦૦ કિલોગ્રામ હોવાનું કહેવાય છે, તે સ્થાનિક માછીમારોની જાળમાં ફસાઈ ગઈ. આ વિશાળ માછલીને ક્રેનની મદદથી ગિલકાલાદિંડી બંદરે લાવવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, માછલીપટ્ટનમના કૃષ્ણા જિલ્લામાં સ્થાનિક માછીમારોની જાળમાં ૧,૫૦૦ કિલો વજનની વિશાળ વ્હેલ શાર્ક ફસાઈ ગઈ હતી. જાળમાં ફસાયેલી આ વિશાળ માછલીને ક્રેનની મદદથી ગિલકાલાદિંડી બંદરના કિનારે લાવવામાં આવી હતી, જેને ચેન્નાઈના વેપારીઓએ તરત જ ખરીદી લીધી હતી.

જણાવી દઈએ કે આ વ્હેલ શાર્ક એક લુપ્તપ્રાય પ્રજાતિ છે જે તેની ધીમી ગતિ અને મોટા કદ માટે જાણીતી છે. આંતરરાષ્ટ્રીય વ્હેલ શાર્ક દિવસ દર વર્ષે ૩૦ ઓગસ્ટના રોજ વિશ્ર્વભરમાં ઉજવવામાં આવે છે. વ્હેલ શાર્ક ફિલ્ટર-ફીડિંગ માછલીની ધીમી ગતિએ ચાલતી પ્રજાતિ છે. વ્હેલ શાર્ક મહાસાગરોના ખુલ્લા પાણીમાં રહે છે. ગુજરાતના દરિયા કિનારાનું તાપમાન તેમના માટે અનુકૂળ છે, જેના કારણે વ્હેલ શાર્ક ગુજરાતના દરિયાકાંઠે ઈંડા મૂકવા આવે છે, તેથી વ્હેલ શાર્કને ગુજરાતની પુત્રી પણ કહેવામાં આવે છે.

તે જાણીતું છે કે વર્ષ ૨૦૦૦ અને તે પહેલાં, ગુજરાત રાજ્યના દરિયાકાંઠે ઘણી વ્હેલ શાર્કનો શિકાર કરવામાં આવ્યો હતો. ૨૦૦૪માં પ્રખ્યાત કથાકાર મોરારીબાપુએ આ ગેરકાયદેસર શિકારને રોકવા માટે વ્હેલના સંરક્ષણ માટે હાકલ કરી હતી. વ્હેલ શાર્કને વિશ્ર્વની માછલીઓની સૌથી મોટી પ્રજાતિ માનવામાં આવે છે. આ જળચર પ્રાણીનું વજન ૧૦ થી ૧૨ ટન અને લંબાઈ ૪૦ થી ૫૦ ફૂટ છે. જો તેનો શિકાર ન કરવામાં આવે તો તેનું આયુષ્ય ૧૦૦ વર્ષ સુધીનું છે. ૧૧ જુલાઈ, ૨૦૦૧ના રોજ, ભારત સરકારના પર્યાવરણ અને વન મંત્રાલયે વ્હેલ શાર્કને કાનૂની રક્ષણ આપ્યું અને શિકાર પર પ્રતિબંધ મૂક્યો. તેને વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ ૧૯૭૨ની સૂચિ ૧માં સામેલ કરવામાં આવ્યું હતું. તેને પકડનારા શિકારીઓને ત્રણથી સાત વર્ષની જેલ અને ૧૦,૦૦૦ રૂપિયાના દંડની જોગવાઈ પણ છે.