કોંગ્રેસે મણિપુરમાં ચાલી રહેલી હિંસા પર મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંહ પર નિશાન સાધ્યું હતું. પાર્ટીએ બિરેન સિંહને એક પ્રશ્ર્ન પૂછ્યો હતો કે મણિપુરના લોકો પૂછે છે કે શું મુખ્યમંત્રી પણ હિંસાગ્રસ્ત રાજ્યની સ્થિતિ અંગે ચર્ચા કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અલગથી મળ્યા હતા? ખરેખર, બિરેન સિંહે શનિવારે દિલ્હીમાં વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં નીતિ આયોગની બેઠકમાં ભાગ લીધો હતો. આ પછી તેઓ પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહને અલગ-અલગ મળ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર આ બેઠકમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહ પણ હાજર હતા.
કોંગ્રેસના નેતા જયરામ રમેશે સોશિયલ મીડિયા એકસ પર કહ્યું છે કે મણિપુરના લોકોનો એક સીધો સવાલ છે કે શું એન બિરેન સિંહ વડાપ્રધાન મોદીને અલગથી મળ્યા હતા અને મણિપુરની સ્થિતિ અંગે ચર્ચા કરી હતી, જે ૩ મે ૨૦૨૩ની રાતથી સળગી રહ્યું છે? શું બીરેન સિંહે પીએમ મોદીને તેમની યુક્રેનની મુલાકાત પહેલા કે પછી મણિપુર આવવાનું આમંત્રણ આપ્યું હતું?
કોંગ્રેસના સાંસદ જયરામ રમેશે ૪ જુલાઈએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર લખ્યું હતું કે નોન-બાયોલોજીકલ વડાપ્રધાને અવકાશમાં જતા પહેલા મણિપુરની મુલાકાત લેવી જોઈએ.કોંગ્રેસના સાંસદ અને લોક્સભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ૮ જુલાઈએ આસામ-મણિપુરની મુલાકાત લીધી હતી. તેઓ મણિપુર હિંસા પીડિતોને મળ્યા હતા. રાહુલ મણિપુરના ગવર્નર અનુસુઈયા ઉઇકેને પણ મળ્યા હતા અને મણિપુરની સ્થિતિ પર પોતાનો પત્ર સુપરત કર્યો હતો. રાહુલે રાજ્યપાલ સાથે અડધા કલાકથી વધુ સમય સુધી ચર્ચા કરી હતી. આ પછી રાહુલ પાર્ટી ઓફિસ પહોંચ્યા અને ત્યાં પ્રેસ કોન્ફરન્સ કરી અને મણિપુરની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી.
રાહુલે કહ્યું કે આ મારી મણિપુરની ત્રીજી મુલાકાત છે. મને લાગતું હતું કે અહીં સ્થિતિ સુધરી હશે, પરંતુ એવું કંઈ થયું નથી. જમીની સ્તરે કોઈ સુધારો થયો નથી. કેન્દ્ર સરકાર મણિપુરને લઈને બિલકુલ સંવેદનશીલ નથી. મને નથી લાગતું કે અહીં પરિસ્થિતિ સુધરશે.
રાહુલે કહ્યું કે હું રાહત કેમ્પમાં ગયો અને હિંસાથી પીડિત લોકોની વાત સાંભળી. લોકોને મળ્યો અને ખાતરી આપી. હું માત્ર એટલું જ કહેવા માંગુ છું કે નફરતથી કોઈ રસ્તો નહીં નીકળે. હું રાજકારણની વાત કરવા આવ્યો નથી. મેં રાજ્યપાલ સાથે વાત કરી. તેમને કહ્યું કે કોંગ્રેસ ગમે તે કરશે.
રાહુલે વધુમાં કહ્યું કે હું પીએમને વિનંતી કરું છું કે એક-બે દિવસનો સમય કાઢીને મણિપુર આવે. આપણે સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ કે અહીં શું થઈ રહ્યું છે. આખો દેશ અને મણિપુરના લોકો પણ ઈચ્છે છે કે તે અહીં આવે અને લોકોની સમસ્યાઓ સમજે.
મણિપુરના જીરીબામમાં સીએમ બિરેન સિંહની સુરક્ષા ટુકડી પર ઉગ્રવાદીઓએ હુમલો કર્યો હતો. આ સુરક્ષા ટુકડી મુખ્યમંત્રીની સભા પહેલા તૈયારીઓનું નિરીક્ષણ કરવા જઈ રહી હતી. આ ફાયરિંગમાં ડ્રાઈવર સહિત બે સુરક્ષાકર્મીઓ ઘાયલ થયા છે. હુમલા સમયે મુખ્યમંત્રી કાફલામાં ન હતા.
૮ જૂનના રોજ, શંકાસ્પદ ઉગ્રવાદીઓએ જીરીબામ જિલ્લામાં બે પોલીસ ચોકીઓ, એક ફોરેસ્ટ ઓફિસ અને ૭૦ ઘરોને આગ ચાંપી દીધી હતી. પોલીસનું કહેવું છે કે હુમલાખોરો બરાક નદીમાંથી ૩-૪ બોટમાં પ્રવેશ્યા હતા. આ પહેલા ૬ જૂન, ગુરુવારે કેટલાક મૈઇતેઈ ગામો અને પોલીસ ચોકીઓ પર હુમલો કર્યો હતો.મણિપુરના ચુરાચાંદપુર જિલ્લામાં ૧૫ ફેબ્રુઆરીએ હિંસા થઈ હતી, જેમાં બે લોકોના મોત થયા હતા. પોલીસ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવાના વિરોધમાં ૩૦૦-૪૦૦ લોકોના ટોળાએ મોડી રાત્રે એસપી અને ડીસી ઓફિસ પર હુમલો કર્યો હતો. ટોળાએ પથ્થરમારો અને આગચંપી શરૂ કરી હતી. આ ઘટનામાં ૪૦થી વધુ લોકો ઘાયલ થયા છે. ચુરાચાંદપુર કુકી પ્રભુત્વ ધરાવતો વિસ્તાર છે.