અફઝલ અંસારીએ સમાજવાદી પાર્ટીની ટિકિટ પર ૨૦૨૪ની લોક્સભા ચૂંટણીમાં ગાઝીપુર બેઠક પરથી ચૂંટણી જીતી છે.સમાજવાદી પાર્ટીના સાંસદ અફઝલ અંસારીને અલ્હાબાદ હાઈકોર્ટમાંથી મોટી રાહત મળી છે. હાઈકોર્ટે ગેંગસ્ટર કેસમાં ગાઝીપુર એમપી એમએલએ કોર્ટના નિર્ણયને રદ્દ કરી દીધો છે. ગાઝીપુર એમપી એમએલએ કોર્ટે અફઝલને ચાર વર્ષની જેલની સજા સંભળાવી હતી. અફઝલે ગાઝીપુર એમપી એમએલએ કોર્ટના નિર્ણયને અલ્હાબાદ હાઈકોર્ટમાં પડકાર્યો હતો અને હવે હાઈકોર્ટે તેની તરફેણમાં ચુકાદો આપ્યો છે. અલ્હાબાદ હાઈકોર્ટે ૪ જુલાઈના રોજ અફઝલ અંસારીની ફોજદારી અપીલ પર પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો.
૨૦૦૫માં બીજેપી ધારાસભ્ય કૃષ્ણાનંદ રાયની હત્યા બાદ અફઝલ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. વર્તમાન ફોજદારી અપીલની સાથે, આ અદાલત રાજ્ય સરકાર અને કૃષ્ણાનંદ રાયના પુત્ર પીયૂષ રાયની આ જ કેસમાં અફઝલની સજા વધારવાની અપીલ પર પણ સુનાવણી કરી રહી હતી. આ અપીલ મહત્વની છે કારણ કે જો અફઝલની સજા યથાવત રાખવામાં આવી હોત, તો તેણે પોતાનો સાંસદનો દરજ્જો ગુમાવ્યો હોત કારણ કે તેને બે વર્ષથી વધુની જેલની સજા થઈ હતી. હવે સજા રદ થતાં તેઓ સાંસદ તરીકે ચાલુ રહેશે.
અફઝલ અંસારીએ સમાજવાદી પાર્ટીની ટિકિટ પર ૨૦૨૪ની લોક્સભા ચૂંટણીમાં ગાઝીપુર બેઠક પરથી ચૂંટણી જીતી છે. ૨૯ એપ્રિલ, ૨૦૨૩ ના રોજ, ગાઝીપુરની સાંસદ-ધારાસભ્ય અદાલતે અફઝલને ગેંગસ્ટર એક્ટ કેસમાં દોષિત ઠેરવ્યો હતો અને તેને ચાર વર્ષની જેલની સજા ફટકારી હતી અને ૧ લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો. કોર્ટે અફઝલના ભાઈ મુખ્તાર અંસારીને દોષિત ઠેરવ્યો હતો અને તેને ૧૦ વર્ષની જેલની સજા ફટકારી હતી. ત્યારબાદ, અફઝલ સાંસદ તરીકે ગેરલાયક ઠર્યો, જેના પગલે તેણે હાઈકોર્ટમાં હાલની ફોજદારી અપીલ દાખલ કરી.
હાઈકોર્ટે ૨૪ જુલાઈ, ૨૦૨૩ના રોજ અફઝલને જામીન આપ્યા હતા, પરંતુ આ કેસમાં તેની સજા પર રોક લગાવવાનો ઈક્ધાર કર્યો હતો. પરિણામે તેમના સાંસદને પુન:સ્થાપિત કરવામાં આવ્યા ન હતા. તેઓ ભવિષ્યની ચૂંટણી લડવા માટે પણ અયોગ્ય બન્યા કારણ કે તેમને આપવામાં આવેલી સજા બે વર્ષથી વધુ હતી. બાદમાં સર્વોચ્ચ અદાલત દ્વારા તેમની સજા પર રોક લગાવવામાં આવી હતી, જેના પરિણામે તેમની સંસદની સદસ્યતા પુન:સ્થાપિત કરવામાં આવી હતી અને તેઓ લોક્સભાની ચૂંટણી લડવા માટે લાયક બન્યા હતા. જો કે, સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટમાં પેન્ડિંગ ફોજદારી અપીલની ઝડપથી સુનાવણી કરવાનો નિર્દેશ આપ્યો હતો.