ખાલિસ્તાની આતંકવાદીઓ કેનેડાના કેલગરી શહેરમાં જનમત સંગ્રહની યોજના બનાવી રહ્યા છે

કેનેડિયન અધિકારીઓએ તાજેતરમાં જણાવ્યું હતું કે તેઓ જાહેર જગ્યાનો ઉપયોગ કેવી રીતે થાય છે તેના પર નિયંત્રણો લાદી શક્તા નથી. ખાલિસ્તાની આતંકવાદીઓ હવે આલ્બર્ટાના કેલગરી શહેરમાં મ્યુનિસિપલ કોમ્પ્લેક્સમાં કથિત લોકમતનું આયોજન કરી રહ્યા છે. આતંકવાદી સંગઠન શીખ ફોર જસ્ટિસ દ્વારા આ પ્રકારનો પ્રથમ જનમત સંગ્રહ કરવામાં આવ્યો હતો. ભારત આ મામલો કેનેડાના વિદેશ મંત્રાલય સમક્ષ ઉઠાવી ચૂક્યું છે.

કેલગરીના ભારતીય મૂળના કેનેડિયન મેયર જ્યોતિ ગોંડેકે સ્થાનિક મીડિયા સાથેની મુલાકાતમાં જણાવ્યું હતું કે મ્યુનિસિપલ કોમ્પ્લેક્સમાં ઘણી વસ્તુઓ થાય છે કારણ કે તે જાહેર જગ્યા છે. અમે આવા કાર્યક્રમોને મંજૂરી આપતા નથી. જનતા એક સમુદાય તરીકે એક્સાથે આવી શકે છે અને તેઓ જે ઇચ્છે છે તે કરી શકે છે. તેણે કહ્યું કે આ એવી વસ્તુ નથી જે આપણે રોકી શકીએ. તે જ સમયે, કેલગરી શહેરની કોર્પોરેટ પ્રોપર્ટીના ડિરેક્ટર ઇયાન લેમિંગે એક નિવેદનમાં જણાવ્યું હતું કે કોઈપણ વ્યક્તિ અથવા સંસ્થા જો યોગ્ય માર્ગદશકાનું પાલન કરે તો તેઓ કોઈપણ અરજી અથવા પરવાનગી વિના આ જગ્યાનો ઉપયોગ કરી શકે છે.

કથિત જનમત પહેલાં, કેમ્પસમાં એક મોટું પોસ્ટર લગાવવામાં આવ્યું છે, જેમાં તલવિંદર સિંહ પરમાર દર્શાવવામાં આવ્યા છે. પરમારને ૨૩ જૂન, ૧૯૯૫ના રોજ એર ઈન્ડિયાની લાઈટ કનિષ્ક પર બોમ્બ વિસ્ફોટનો માસ્ટરમાઈન્ડ માનવામાં આવે છે. આ ઘટનામાં ૩૨૯ લોકોએ જીવ ગુમાવ્યા હતા. કેનેડાના ઈતિહાસમાં આ અત્યાર સુધીની સૌથી મોટી આતંકવાદી ઘટના છે. ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જર ગયા વર્ષે ૧૮ જૂનના રોજ બ્રિટિશ કોલંબિયાના સરેમાં માર્યો ગયો હતો. તેઓ એસએફજેના કોલંબિયા પ્રાંતના વડા પણ હતા.

નિજ્જરને ભારતમાં આતંકવાદી ગણવામાં આવતો હતો, પરંતુ કેનેડામાં તેના પર ક્યારેય આરોપ મૂકવામાં આવ્યો ન હતો. તેમની હત્યા પછી, વડા પ્રધાન જસ્ટિન ટૂડોએ ૧૮ સપ્ટેમ્બર, ૨૦૨૩ ના રોજ હાઉસ ઓફ કોમન્સમાં એક નિવેદન આપ્યું હતું. ટૂડોએ કહ્યું કે નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટો સામેલ હોવાના વિશ્ર્વસનીય આરોપો છે. તેમના આ નિવેદનથી બંને દેશોના સંબંધોમાં તિરાડ પડી હતી.

કેનેડાના વિદેશ મંત્રાલયને મોકલવામાં આવેલા તેના સત્તાવાર પત્રમાં, ભારતીય હાઈ કમિશને ખાલિસ્તાની આતંકવાદીઓ દ્વારા દેશની પ્રાદેશિક અખંડિતતાને નિશાન બનાવવાની ઘટના માટે જાહેર જગ્યાના ઉપયોગ પર પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો.