ભારતે શનિવારે પલ્લેકેલેમાં રમાયેલી ત્રણ મેચની ટી૨૦ શ્રેણીની પ્રથમ મેચમાં શ્રીલંકાને ૪૩ રને હરાવ્યું હતું. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ શ્રેણીમાં ૧-૦ની સરસાઈ મેળવી લીધી છે. બીજી મેચ રવિવારે રમાશે અને ભારતીય ટીમ પાસે અજેય લીડ મેળવવાની તક હશે. પ્રથમ મેચમાં એક સમય એવો આવ્યો જ્યારે એવું લાગતું હતું કે ભારત કદાચ મેચ હારી જશે. જો કે, ડેથ ઓવરોમાં ભારતીય બોલરોની શાનદાર બોલિંગને કારણે ટીમ ઈન્ડિયા ફરી એકવાર જીત મેળવી હતી. આ જીત સાથે ગંભીર-સૂર્યકુમાર યુગની શાનદાર શરૂઆત થઈ. સૂર્યકુમારે કપ્તાનીની ઇનિંગ રમતા ૨૬ બોલમાં આઠ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી ૫૮ રન બનાવ્યા હતા. આ ઇનિંગ માટે તેને પ્લેયર ઓફ ધ મેચ પણ પસંદ કરવામાં આવ્યો હતો.
આ એવોર્ડ મેળવ્યા બાદ સૂર્યકુમારે વિરાટ કોહલીના એક મોટા રેકોર્ડની બરાબરી કરી હતી. હકીક્તમાં, આ મેચ પહેલા વિરાટના નામે ટી ૨૦ ઈન્ટરનેશનલમાં સૌથી વધુ પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીતવાનો રેકોર્ડ હતો. ૧૨૫ ટી ૨૦ આંતરરાષ્ટ્રીય મેચોમાં તેના નામે ૧૬ પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ છે. આ સાથે જ હવે સૂર્યકુમારે લગભગ અડધી મેચ રમીને તેની બરાબરી કરી લીધી છે. સૂર્યકુમાર ૬૯મી ટી ૨૦ ઈન્ટરનેશનલમાં ૧૬મી વખત પ્લેયર ઓફ ધ મેચ બન્યો. વિરાટે હવે ટી ૨૦ માંથી નિવૃત્તિ લઈ લીધી છે. આવી સ્થિતિમાં સૂર્યકુમાર પાસે આ શ્રેણીમાં વિરાટને પાછળ છોડવાની તક છે. ત્રીજા નંબર પર સિકંદર રઝા છે, જે ૯૧ ટી ૨૦ આંતરરાષ્ટ્રીય મેચમાં ૧૫ વખત પ્લેયર ઓફ ધ મેચ બન્યો છે.