
મહીસાગર જીલ્લાની લુણાવાડા પેન્શનર્સ સિનિયર સીટીઝન્સ ચેરીટેબલ ટ્રસ્ટની ગાંધી કુટીર ખાતે વાર્ષિક સામાન્ય સભા અને સન્માન સમારોહ રાજવી પરિવારના પુષ્પેન્દ્રસિંહજીના અધ્યક્ષસ્થાને કબીર મંદિર મહંત પુરસોત્તમદાસજીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો. આ કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે સંસ્થાના 70 વર્ષ પૂર્ણ કરેલ હોય તેવા સભ્યો, કર્મનિષ્ઠ અને વિશિષ્ટ વ્યક્તિઓ તેમજ રમતગમત અને યોગમાં રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ દેખાવ કરનાર સિનિયર સિટીજન્સનું સન્માન કરવામાં આવ્યું હતું. અછોડાતોડ ચોરનો બહાદુરીપૂર્વક સામનો કરનાર વૃધ્ધાનું સન્માન કરવામાં આવ્યું હતું. ધોરણ દસ, બાર તેમજ શૈક્ષણિક ક્ષેત્રમાં ઉજ્જવળ દેખાવ કરનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં પેન્શનર્સ સિનિયર સીટીઝન્સ ટ્રસ્ટ દ્વારા આયોજીત કાનૂની શિક્ષણ શિબિર, સત્સંગ,પ્રવાસ ,ધાર્મિક કથાઓ, ચૂંટણી દરમિયાન મતદાર જાગૃતિ, યોગશિબિરો, મેડિકલ કેમ્પ, સાહિત્ય લેખ પરિસંવાદ સહિતની સામાજીક અને સેવાકીય પ્રવુત્તિઓ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ સભામાં વડોદરાથી આવેલ ઓલ્ડ એજ સંસ્થાના પ્રતિનિધિઓ, જીલ્લાના ધાર્મિક, સામાજીક સેવાકીય સંસ્થાઓના પ્રતિનિધિઓ, પેન્શનર સીનીયર સિટીઝન ટ્રસ્ટના પ્રમુખ મણિબેન, મહામંત્રી જયંતિભાઈ સહિત હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન રમણભાઈ પ્રજાપતિએ કર્યું હતું.