ફતેપુરાના સલરા ગામે બે બાઈકો વચ્ચે અકસ્માત ત્રણ પૈકી એકનું મોત

દાહોદ જીલ્લાના ફતેપુરા તાલુકાના સલરા ગામે બે મોટરસાઈકલો સામ સામે ધડાકાભેર અથડાતા ત્રણ પૈકી એકનું મોત નીપજ્યું હતું. ત્યારે બે ઈજાગ્રસ્ત વ્યક્તિઓને નજીકના દવાખાને સારવાર માટે લઈ જવામાં આવ્યાં હોવાનું જાણવા મળે છે.

ગત તા.27મી જુલાઈના રોજ ફતેપુરા તાલુકામાં રહેતાં પ્રભુભાઈ મણીલાલ વાદી પોતાના કબજાની મોટરસાઈકલ લઈને સલરા ગામેથી પસાર થઈ રહ્યાં હતા. તે સમયે સામેથી એક મોટરસાઈકલના ચાલકે પોતાના કબજાની મોટરસાઈકલ પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી પ્રભુભાઈની મોટરસાઈકલને જોશભેર ટક્કર મારતાં પ્રભુભાઈ મોટરસાઈકલ પરથી ફંગોળાઈ જમીન પર પટકાતાં તેઓને શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેઓને તાત્કાલિક નજીકના દવાખાને સારવાર માટે લઈ જવામાં આવ્યાં હતાં. સારવાર દરમ્યાન પ્રભુભાઈનું મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે મૃતકના પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ હતી.

આ સંબંધે શૈલૈષ પ્રભુભાઈ વાદીએ ફતેપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.