શહેરા નગરના નાડા બાઇપાસ રોડ ઉપર આવેલી પટેલ ટ્રેડર્સ નામની અનાજની દુકાનમાં જીલ્લા પુરવઠા અધિકારીની આકસ્મિક તપાસ

  • જીલ્લા પુરવઠા અધિકારીએ અનાજની દુકાનમાંથી મળી આવેલ સરકારી 54 કટ્ટા ચોખાના અને 8 ઘઉં મળીને કુલ રૂપિયા 1,14,927 નો અનાજનો જથ્થો સીઝ કરવામાં આવ્યો.
  • આ અનાજનો વેપારી અગાઉ પણ સરકારી અનાજના જથ્થા સાથે મામલતદાર દ્વારા પકડી પાડવામાં આવ્યો હતો. તેમજ ફરી વખત જીલ્લા પુરવઠા અધિકારીની તપાસ દરમિયાન સરકારી અનાજનો જથ્થો મળી આવ્યો હતો.
  • સરકારી અનાજનો મોટો જથ્થો મળી આવતા જીલ્લા પુરવઠા અધિકારીની તપાસ તેજ બની .

શહેરા નગરના નાડા બાઇપાસ રોડ ઉપર આવેલી પટેલ ટ્રેડર્સ નામની અનાજની દુકાનમાં જીલ્લા પુરવઠા અધિકારીની આકસ્મિક તપાસ દરમિયાન સરકારી 54 કટ્ટા ચોખાના અને 8 કટ્ટા ઘઉંના મળી આવ્યા હતા. ખાનગી અનાજના દુકાનદારની બે દુકાનો સીઝ કરી જરૂરી કાર્યવાહી હાથધરી ને રૂપિયા 1,14,927ની કિંમતનો ઘઉં અને ચોખાના જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.

શહેરા નગરના નાડા બાયપાસ રોડ ઉપર આવેલી પટેલ ટ્રેડર્સ નામની ખાનગી અનાજની દુકાનમાં સરકારી અનાજનો જથ્થો હોવાની માહિતી જીલ્લા પુરવઠા અધિકારી એચ.ટી.મકવાણાને મળી હતી. મળેલી માહિતીના આઘારે જીલ્લા પુરવઠા અધિકારી એ પટેલ ટ્રેડર્સ નામની અનાજની દુકાનમાં આકસ્મિક તપાસણી કરવામાં આવતા સરકારી 54 કટ્ટા ચોખાના અને 8 કટ્ટા ઘઉંના મળી આવતા જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જોકે, પટેલ ટ્રેડર્સ નામની ખાનગી અનાજની દુકાનમાં સરકારી ચોખા અને ઘઉંનો આટલો મોટો જથ્થો ક્યાંથી આવ્યો તે એક વિચારવા જેવો પ્રશ્ર્ન બની જવા પામ્યો હોય ત્યારે જીલ્લા પુરવઠા અધિકારી એચ.ટી.મકવાણા દ્વારા આ દિશામાં તપાસના ચક્રોગતિમાન કરવામાં આવ્યા હોય એમ કહીએ તો નવાઈ નહીં. સરકારી અનાજનો મોટો જથ્થો ખાનગી અનાજની દુકાન માંથી મળી આવતા જીલ્લા પુરવઠા અધિકારી દ્વારા અનાજનો જથ્થો સીઝ કરીને બે દુકાનોને સીલ કરવામાં આવી હતી.

જોકે, આ ખાનગી અનાજની દુકાનમાં અનાજ વેચવા આવતા લોકો પાસેથી અનાજનો જથ્થો લેવામાં આવી રહયો હોવાનું દુકાનદાર પાસેથી જાણવા મળેલ હતું. ખાનગી અનાજની દુકાનમાં સરકારી અનાજનો જથ્થો મળી આવ્યો હોય ત્યારે શું સસ્તા અનાજની દુકાનના કોઈ દુકાનદાર દ્વારા અહીં જથ્થો વેચવામાં આવ્યો હશે કે શું? દાઉદ નામના આ અનાજના વેપારી પાસેથી અગાઉ પણ સરકારી અનાજનો જથ્થો મળી આવતા મામલતદાર ધર્મેન્દ્ર પટેલ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારે ફરીથી બીજી વખત જીલ્લા પુરવઠા અધિકારીની તપાસ દરમિયાન દુકાન માંથી સરકારી અનાજનો મોટો જથ્થો મળી આવ્યો હોય ત્યારે કેવા પ્રકારની કાર્યવાહી આ દુકાનદાર સામે કરવામાં આવશે, એ તો જોવું જ બની રહ્યું છે. જીલ્લા પુરવઠા અધિકારીએ અનાજની દુકાન માંથી મળી આવેલ સરકારી 54 કટ્ટા ચોખાના અને 8 ઘઉં મળીને કુલ રૂપિયા 1,14,927 નો અનાજનો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો. હાલ તો જીલ્લા પુરવઠા અધિકારી ની કડક કાર્યવાહીના પગલે ગેરકાયદે અનાજનો વેપલો કરતા દુકાનદારોમાં ફફડાટ ફેલાયો હતો.