મોદીએ મન કી બાત કાર્યક્રમના ૧૧૨મા એપિસોડને સંબોધિત કર્યું

  • દેશભરમાં ચલાવવામાં આવી રહેલા વિવિધ અભિયાનો હેઠળ જનભાગીદારી અંગે ચર્ચા કરી
  • જો તમે હજુ સુધી ખાદીના કપડા નથી ખરીદ્યા તો આ વર્ષથી જ કરવાનું શરૂ કરો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મન કી બાત કાર્યક્રમના ૧૧૨મા એપિસોડને સંબોધિત કર્યું. આ દરમિયાન તેમણે દેશભરમાં ચલાવવામાં આવી રહેલા વિવિધ અભિયાનો હેઠળ જનભાગીદારી અંગે ચર્ચા કરી હતી. આ સાથે તેમણે વિવિધ મુદ્દાઓ પર પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. પીએમ મોદીનો મન કી બાત કાર્યક્રમ ૧૧ વિદેશી ભાષાઓ ઉપરાંત ૨૨ ભારતીય ભાષાઓ અને ૨૯ બોલીઓમાં પ્રસારિત કરવામાં આવ્યો હતો. મન કી બાત ઓલ ઈન્ડિયા રેડિયાના ૫૦૦ થી વધુ બ્રોડકાસ્ટિંગ સ્ટેશનો પર પ્રસારિત કરવામાં આવી હતી. ભારતીય જનતા પાર્ટીના અધિકારીઓ અને કાર્યકરોએ અલગ-અલગ સ્થળોએ મન કી બાત કાર્યક્રમ સાંભળ્યો હતો.

પેરિસ ઓલિમ્પિક વિશે વાત કરતી વખતે પીએમ મોદીએ ભારતીય ખેલાડીઓને સપોર્ટ કરવાની વાત કરી હતી. આ સાથે તેણે ચીયર ફોર ઈન્ડિયાનું સ્લોગન પણ આપ્યું હતું. આ સાથે તેમણે ઇન્ટરનેશનલ મેથેમેટિક્સ ઓલિમ્પિયાડનો ઉલ્લેખ કરતા તેની સાથે જોડાયેલા વિદ્યાર્થીઓ સાથે ફોન પર વાત કરી અને તેમના અનુભવો પણ જાણ્યા. ચરાઈ દેવ મૈદમનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યું કે આસામના ચરાઈ દેવ મૈદમને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટમાં સામેલ કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે ઉત્તર-પૂર્વમાં આ પ્રથમ સાઈટ હશે. તેની વિશેષતા વર્ણવતા તેણે તેનો અર્થ સમજાવ્યો. તેમણે કહ્યું કે ચરાઈ દેવ મૈદમનો અર્થ હિલ્સ પર સાઈનિંગ સિટી છે. તે અહોમ સામ્રાજ્યની રાજધાની હતી. ૧૩મી સદીમાં શરૂ થયેલું આ સામ્રાજ્ય ૧૯મી સદી સુધી ચાલ્યું તે એક મોટી વાત છે. તેમણે લોકોને અપીલ કરી કે તેઓ ભવિષ્યમાં આ સાઈટને તેમની ટ્રાવેલ લિસ્ટમાં સામેલ કરે.

પીએમ મોદીએ પ્રોજેક્ટ પરીનો પણ ઉલ્લેખ કર્યો હતો. પ્રોજેક્ટ પરી વિશે જણાવતા તેમણે કહ્યું કે તેનો અર્થ ’પબ્લિક આર્ટ ઓફ ઈન્ડિયા’ થાય છે. પ્રોજેક્ટ પરી જાહેર કલાના ઉભરતા કલાકારોને એક પ્લેટફોર્મ પર લાવવાનો પ્રયાસ કરી રહી છે. દિલ્હીમાં ભારત મંડપમનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે અહીં દેશભરની જાહેર કલાઓ જોઈ શકાય છે. હરિયાણાના રોહતકની મહિલાઓનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે તેઓએ ઉન્નતિ સેલ્ફ હેલ્પ ગ્રુપમાં જોડાવાનું નક્કી કર્યું અને હવે આ મહિલાઓ લાખો રૂપિયા કમાઈ રહી છે. ખાદીનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યું કે એવા ઘણા લોકો હશે જેઓ ખાદીનો ઉપયોગ નથી કરતા પરંતુ આજે ગર્વથી ખાદી પહેરે છે. પહેલીવાર ખાદીનો કારોબાર રૂ. ૧.૫ લાખ કરોડને પાર કરી ગયો છે. ખાદીના વેચાણમાં ૪૦૦ ટકાનો વધારો થયો છે. આનો સૌથી વધુ ફાયદો મહિલાઓને થઈ રહ્યો છે. તેમણે કહ્યું કે જો તમે હજુ સુધી ખાદીના કપડા નથી ખરીદ્યા તો આ વર્ષથી જ કરવાનું શરૂ કરો.

ડ્રગ્સના પડકાર અંગે ચર્ચા કરતાં તેમણે કહ્યું કે તે દરેક પરિવારની ચિંતાનો વિષય છે. આ માટે સરકારે માનસ નામનું વિશેષ કેન્દ્ર ખોલ્યું છે. માનસ હેલ્પલાઈન અને પોર્ટલ થોડા દિવસો પહેલા શરૂ કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે કોઈપણ વ્યક્તિ ૧૯૩૩ પર ફોન કરીને જરૂરી સલાહ કે માહિતી મેળવી શકે છે. જો તમારી પાસે બીજી કોઈ માહિતી હોય તો તમે આ નંબર પર કોલ કરીને શેર કરી શકો છો.

આના પર શેર કરેલી દરેક માહિતી ગુપ્ત રાખવામાં આવે છે.પીએમ મોદીએ કહ્યું કે આવતીકાલે સમગ્ર વિશ્વમાં ટાઇગર ડેની ઉજવણી કરવામાં આવશે. આ આપણી સંસ્કૃતિનો અભિન્ન ભાગ રહ્યો છે. વાઘ સાથે જોડાયેલી વાતો આપણે બધાએ સાંભળી છે. આપણા દેશમાં એવા ઘણા ગામો છે જ્યાં માનવી અને વાઘ વચ્ચે સંઘર્ષ થતો નથી, પરંતુ જ્યાં આવી પરિસ્થિતિઓ બને છે ત્યાં પણ વાઘના સંરક્ષણ માટે પ્રયત્નો કરવામાં આવે છે. કુલહાડી બંધ પંચાયત આનો એક ભાગ છે. રણથંભોરથી શરૂ થયેલું આ અભિયાન રસપ્રદ છે.

સ્થાનિક લોકોએ પ્રતિજ્ઞા લીધી છે કે તેઓ જંગલો કાપશે નહીં, આ વાઘ માટે વધુ સારું વાતાવરણ બનાવી રહ્યું છે. સમગ્ર દેશમાં આવા પ્રયાસો થઈ રહ્યા છે. વાઘના સંરક્ષણમાં લોકભાગીદારી ખૂબ જ ઉપયોગી છે. આ કારણે વાઘની વસ્તી દર વર્ષે વધી રહી છે. વિશ્વના ૭૦ ટકા વાઘ આપણા દેશમાં છે. તેથી જ આપણા દેશના વિવિધ ભાગોમાં વાઘના અભયારણ્ય ઘણા છે. આપણા દેશમાં જંગલ વિસ્તાર પણ ઝડપથી વધી રહ્યો છે. એક પેડ મા કે નામ કાર્યક્રમ હેઠળ દેશભરમાંથી લોકો જોડાઈ રહ્યા છે. આ અંતર્ગત ઈન્દોરમાં એક જ દિવસમાં ૨ લાખથી વધુ રોપાઓ વાવવામાં આવ્યા.

તમારે પણ આ અભિયાનમાં જોડાવું પડશે અને સેલ્ફી લેવી પડશે અને તેને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવી પડશે. ૧૫મી ઓગસ્ટ દૂર નથી. આમાં વધુ એક અભિયાન ઉમેરાયું છે. હર ઘર તિરંગા અભિયાન પણ તેની સાથે જોડાયેલું છે. છેલ્લા કેટલાક સમયથી લોકોમાં આ માટેનો ઉત્સાહ વધુ જોવા મળી રહ્યો છે. તમે જોયું હશે કે જ્યારે એક ઘર પર તિરંગો લહેરાવે છે તો બીજા ઘરો પર પણ તિરંગો દેખાવા લાગે છે. આ એક અનોખો તહેવાર બની ગયો છે. આ વર્ષે પણ તમારે તિરંગા સાથે તમારી સેલ્ફી અપલોડ કરવી પડશે. આ સિવાય તમારે તમારા સૂચનો ૧૫ ઓગસ્ટ પહેલા મોકલવાના રહેશે. તમે માય જીઓવી અથવા નમો એપ પર પણ સૂચનો મોકલી શકો છો.