પોરબંદરમાં ભારે વરસાદ પડી રહ્યો હતો જે બાદ વરસાદી પાણીના નિકાલની માહિતી આપવા ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ પ્રેસ કોંફરન્સ યોજી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે પોરબંદરમાં ૧૮ થી ૨૨ જુલાઈ વચ્ચે ૩૧ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. તેમાં પણ એક જ રાત્રીમાં લગભગ ૨૫ ઇંચ જેટલો વરસાદ થયો હતો. ઉપરાંત ઉપરવાસમાં પડેલ વરસાદનું પાણી નીચાણવાળા વિસ્તારમાં આવતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે જે પાણી ભરાયા હતા તેના નિકાલ માટે અત્યારે ૪૬૫ હોર્સપાવર કેપીસીટીના ૧૧ પંપો કાર્યરત છે.
બોખીરા વિસ્તારમાં બે બાજુથી નેવીએ હિસ્સો કવર કરેલો છે. જેના કારણે ત્યાંથી પાણી નિકાલ થતો હતો તે અવરોધાયેલ છે, આ માટે નેવી સાથે સંકલન કરીને પાણી નિકાલની કાયમી વ્યવસ્થા કરવાનો પ્રયત્ન થઈ રહ્યા છે. આ ઉપરાંત બોખીરામાં નેશનલ હાઈવેના બન્યો તેના કારણે ઘણા વહેણ બ્લોક થયેલ છે. આ માટે રાજ્ય સરકારને સાથે રાખીને ઉકેલ લાવવાનો પ્રયત્ન કરાઈ રહ્યા છે.
અર્જુનભાઈ મોઢવાડિયાએ વધુમાં જણાવ્યું હતું કે એક ગેરસમજણ પ્રવર્તે છે કે ભુગર્ભ ગટર નિષ્ફળ ગઈ તેના કારણે પાણીનો નિકાલ થઈ શક્તો નથી. આ વાત તદ્દન સત્યથી વેગળી છે. ભુગર્ભ ગટરનું કામ ઘરની દૈનિક વપરાસના પાણીના નિકાલ માટે હોય છે, વરસાદના પાણીનો નિકાલ તેના ડીઝાઈન સાથે શૂસંગત નથી. વરસાદી પાણીના નિકાલ માટે અલગ ડ્રેનેજ લાઈન હોય છે, જેની વ્યવસ્થા પોરબંદરમાં કરવામાં આવી રહી છે. આ વર્ષે જે પરિસ્થિતી સર્જાઈ છે તેના ઉપરથી ઘણો પાઠ મેળવ્યો છે અને પોરબંદરમાં ફરી આ પ્રકારની પરિસ્થિતી ના સર્જાય તે માટે વહિવટી તંત્ર અને સરકાર સાથે મળીને લાંબા ગાળાનું આયોજન કરવામાં આવશે. આ માટે જે પાણીના વહેણોમાં દબાણો થયા તે પણ હટાવામાં આવશે.
ઉપરાંત, પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયાએ જણાવ્યું હતું કે બોખીરા અને ખાપટ સહિતના વિસ્તારો નીચાણવાળા વિસ્તાર છે, આ વખતે અસધારાણ વરસાદ પડતા આ પ્રકારની પરિસ્થિતીનું નિર્માણ થયું છે. ત્યારે આ વિસ્તારમાં પાણી નિકાલ માટેની આયોજન કરેલું છે. ખેડુતોને પાણી ભરાવાના કારણે જે પાકોને નુકશાન થયેલ છે તેનો સર્વે કરીને તમામ ખેડૂતોને નિયમ મુજબની સહાય સરકાર આપશે.
પોરબંદર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજુભાઇ ઓડેદરા એ જણાવ્યુ હતુ પોરબંદરમાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારમાં ૮ દિવસથી લોકો ના ઘરોમાં પાણી ભરાયા છે. વૃધો મહિલાઓ અને બાળકો પરેશાન છે. તંત્રની કામગીરી ચાલુ છે પરંતુ તે ધીમી ગતિએ થઈ રહી છે. છતા જી રોડ અને ખીજડી પ્લોટ, કમલા બાગ, છાયા વિસ્તારમાં જઇને જોઈ શકાય છે. ત્યારે ભૂગર્ભ ગટર યોજના સફળ થઈ છે. એમ કહેવાથી સાબિત નથી થતું એમાં ભ્રષ્ટાચાર ના કારણે ફેલ થઈ છે. પ્રી મોન્સૂનની કામગીરી જ નથી થઈ પ્રજાના પૈસા બગાડવામાં આવે છે. બાલુબા સ્કૂલ પાસે બગીચા બનતા હતા ત્યારે કોંગ્રેસે વિરોધ કર્યો હતો. આજે પાણી ન નિકાલ માટે તોડવામાં આવ્યા છે જે ભ્રષ્ટાચાર સાબિત કરે છે.