રાજ્ય સરકારને જુના ધાર્મિક સ્થળોની કાયદેસરતા ચકાસવાના સુપ્રીમના આદેશ

રાજ્યમાં ધાર્મિક દબાણ એક સંવેદનશીલ અને જટિલ મુદ્દો છે, જે માત્ર ભક્તિ અને આસ્થાનો જ નહીં, પરંતુ રાજકારણનો પણ કેન્દ્ર બિંદુ છે. કોર્ટના આદેશથી, આ અંગેના વિવાદને નવી જ તીવ્રતા મળી છે. રાજયના તમામ ધામક સ્થળોની કાયદેસરતા પુરવાર કરવા માટે સંચાલકોને પુરાવા રજૂ કરવા જરૂરી છે.

સુપ્રીમ કોર્ટ દ્વારા જાહેર માર્ગોની આસપાસ અને સરકારી જગ્યાઓમાં વધતા ધાર્મિક દબાણને લઈને પગલાં લેવા રાજ્ય સરકારને આદેશ આપવામાં આવ્યો છે. આદેશના અનુસંધાને, સરકારી તંત્ર દ્વારા નોટિસ જારી કરીને મસ્જિદ, મંદિર, દરગાહ અને કબ્રસ્તાનના સંચાલકોને બોલાવવામાં આવ્યા છે. અંદાજે ૨૦,૦૦૦થી વધુ ધાર્મિક દબાણના કેસ રાજ્યમાં છે.

સુપ્રીમ કોર્ટના આદેશને અનુરૂપ, રાજ્યના તમામ ધાર્મિક દબાણના સંચાલકોને નોટિસ આપી પુરાવા રજૂ કરવા માટે તાકીદ કરવામાં આવી છે. આ નોટિસથી રાજ્યમાં માહોલ ગરમાયો છે અને સંચાલકો વર્ષોથી ચાલતી ધાર્મિક પ્રવૃત્તિના પુરાવા સાથે તંત્ર સમક્ષ હાજર થઈ રહ્યા છે.ગુજરાતમાં અનધિકૃત ધાર્મિક દબાણોના વિવાદ વર્ષોથી ચાલી રહ્યા છે. અનધિકૃત દબાણ દૂર કરવા માટે સરકાર સતત વહીવટી તંત્રને આદેશ કરતી રહી છે, પરંતુ આ મુદ્દો તંત્ર, ધર્મપ્રેમીઓ અને રાજકારણીઓ વચ્ચે અટવાયો છે.

સુપ્રીમ કોર્ટ અને ગુજરાત હાઈકોર્ટના આદેશને અનુરૂપ અને ૨૦૧૦ના ઠરાવ મુજબ, અનધિકૃત ધાર્મિક દબાણો દૂર કરવા આદેશ આપવામાં આવ્યા છે. ૨૨ જુલાઈ સુધીમાં આ કામગીરી પૂર્ણ કરવાની મુદત છે. ગૃહ વિભાગે એપ્રિલ ૨૦૨૪ની ગાઈડલાઈન મુજબ સાત સભ્યોની કમિટીની રચના કરી છે અને વારંવાર બેઠક બોલાવવામાં આવી રહી છે. મહાનગરોમાં ધાર્મિક દબાણના મુદ્દે હંમેશા હોબાળો મચતો રહે છે.

ગૃહ વિભાગના આદેશનું પાલન ફરજિયાત છે અને રાજ્યમાં આ દબાણ દૂર કરવા માટે તંત્રને જવાબદારી સોંપવામાં આવી છે. સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ, જુના ધાર્મિક સ્થળોની કાયદેસરતા તપાસવા માટે તંત્ર દ્વારા મસ્જિદ, મંદિર, દરગાહ સહિતના સંચાલકોને બોલાવવામાં આવ્યા છે. આ મામલે વહીવટી તંત્રમાં દોડધામ શરૂ થઈ ગઈ છે.