રાહુલ ગાંધીનું નવું સરનામુ બંગલો નંબર ૫, સુનેહરી બાગ રોડ

લોક્સભાની હાઉસિંગ કમિટીએ ગૃહમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીને તેમના નિવાસસ્થાન માટે ’૫-સુનહરી બાગ રોડ’ બંગલાની દરખાસ્ત કરી છે. હાઉસિંગ કમિટિ સાથે સંકળાયેલા સૂત્રોએ આ માહિતી આપી છે. રાહુલ ગાંધી સાથે જોડાયેલા સૂત્રોએ પણ આ વાતની પુષ્ટિ કરી છે. સૂત્રોએ જણાવ્યું કે રાહુલ ગાંધીની સંમતિ મળ્યા બાદ આ તેમનું નવું ઘર બનશે. કોંગ્રેસ મહાસચિવ અને રાહુલ ગાંધીની બહેન પ્રિયંકા ગાંધી વાડ્રા ’૫ સુનેહરી બાગ’ પહોંચ્યા હતા. તે ’ટાઈપ ૮’ કેટેગરીનો બંગલો છે જે સામાન્ય રીતે કેબિનેટ મંત્રીઓને ફાળવવામાં આવે છે.

અગાઉ રાહુલ ગાંધી ઘણા વર્ષો સુધી લ્યુટિયન ઝોનમાં ’૧૨ તુઘલક લેન’ના બંગલામાં રહેતા હતા, પરંતુ ગયા વર્ષે તેમણે માનહાનિના કેસમાં ગુજરાતની નીચલી અદાલત દ્વારા દોષિત ઠેરવવામાં આવતા તેમનું સભ્યપદ ગુમાવી દીધું હતું. સભ્યપદ ગુમાવ્યા પછી, રાહુલે ૨૨ એપ્રિલ, ૨૦૨૩ ના રોજ બંગલો ખાલી કર્યો. બંગલાની ચાવી પરત કરતી વખતે રાહુલે કહ્યું હતું કે સત્ય બોલવા માટે તે કોઈપણ કિંમત ચૂકવવા તૈયાર છે. આને લઈને દેશમાં ભારે રાજનીતિ થઈ હતી. ત્યારથી, તેઓ તેમની માતા અને કોંગ્રેસ સંસદીય દળના વડા સોનિયા ગાંધીના નિવાસસ્થાન ’૧૦ જનપથ’ ખાતે રહે છે.

જો કે, જ્યારે તેમનું સભ્યપદ પુન:સ્થાપિત કરવામાં આવ્યું ત્યારે, લોક્સભા હાઉસિંગ કમિટીએ એ જ બંગલો ફરીથી ફાળવવાની ઓફર કરી હતી જેમાં રાહુલે તેમના જીવનના ૧૯ વર્ષ વિતાવ્યા હતા, પરંતુ તેમણે બંગલો લીધો ન હતો. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ આ વખતે રાયબરેલીથી ચૂંટાયા છે અને વિપક્ષના નેતાની જવાબદારી નિભાવી રહ્યા છે.