શહેરા,
શહેરાના રોહિતવાસ વિસ્તારમાં કુટુંબી કાકાના છોકરાઓ વચ્ચે નજીવી બાબતે મારામારી થતાં 8 જેટલા વ્યક્તિઓ વિરૂદ્ધ સામસામે ફરિયાદ નોંધાઈ હતી.
પોલીસ પ્રાપ્ત વિગતો અનુસાર શહેરા નગરના રોહિતવાસ વિસ્તારમાં રહેતા કુટુંબી બે સગા કાકાના છોકરાઓ વચ્ચે નજીવી બાબતે મારમારી થતાં શહેરા પોલીસ મથકે સામસામે ફરિયાદ નોંધાઈ છે. જેમાં પ્રથમ ફરિયાદમાં પાર્વતીબેન ખાનાભાઈ પરમારનો ભાઈ ચંદ્રકાન્ત તેમના ઘરેથી ગાડી ઉપર જતો હતો. તે સમય દરમિયાન તે જ ફળિયામાં રહેતો તેમના કાકાનો છોકરો કિરીટ લાલાભાઈ પરમાર તેમજ તેની બેન દક્ષા, હંસા અને નયના પરમાર આ ચારેય જણ ચંદ્રકાન્તને ગાળો બોલી કહેવા લાગેલ કે તું અમારા ઘર આગળથી કેમ નીકળે છે. અહીંથી નીકળે તો તારા ટાંટિયા ભાગી નાખીશું તેમ કહી લાકડી અને ચપ્પુ વડે તેમજ ગડદાપાટુનો મારમારવા લાગ્યા હતા. જેમાં ચંદ્રકાન્તને માથાના ભાગે લાકડીનો ફટકો વાગતા ઇજા પહોંચી હતી. જેને લઈને પાર્વતીબેન સહિત તેમના પરિવારના અન્ય સભ્યો વચ્ચે છોડાવવા પડતા પાર્વતીબેનને પણ લાકડી વડે તેમજ ગડદાપાટુનો મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો ઉલ્લેખ કરાયો છે. જ્યારે બીજી ફરિયાદમાં કિરીટભાઈ લાલાભાઈ પરમારને તેના કાકાના છોકરા ચંદ્રકાન્ત ખાનાભાઈ પરમારે કહેલ કે સવારે શું થયેલું તેમ પૂછતાં કિરીટભાઈએ કહેલ તારા મમ્મી ગાળો બોલતા હતા. તેમ કહેતા ચંદ્રકાન્તે એકદમ ઉશ્કેરાઈ જઇ હાથમાં પાડવો લઈ આવી કિરીટભાઈને જમણા ખભા ઉપર મારી તેમના પરિવારના અન્ય સભ્યને રોડ ઉપર ઘસેડી ખાનાભાઈ પરમાર, પાર્વતીબેન પરમાર અને નિરૂબેન પરમાર આ ત્રણેય જણે આવી ગડદાપાટુનો મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો ઉલ્લેખ કરાયો છે. ત્યારે આ બંને ફરિયાદોના આધારે પોલીસે સામસામે ગુનો નોંધી આઠ જેટલા વ્યક્તિઓ સામે ગુનો નોંધ્યો છે.