વિરપુરના ખરોડ ગ્રામ પંચાયતના ગામોમાં રાત્રિના સમયે કૃષિ વિષયક વીજ પુરવઠાને લઈ ખેડુતો નારાજ

મહિસાગર જિલ્લાના વિરપુર તાલુકાના ખરોડ ગ્રામ પંચાયતના વિસ્તારોમાં રાત્રિ દરમિયાન અપાતો ખેતી માટેનો વીજ પુરવઠો દિવસે આપવામાં આવે તેવી માંગ સાથે ખેડુતોએ ફરી એકવાર વિરપુરની વીજ કચેરીએ આવેદનપત્ર આપી ઉગ્ર રજુઆત કરી છે.

વિરપુર તાલુકામાં ચોમાસુ સીઝન પૈકી ખેડુતોએ સોૈથી વધુ મકાઈ, કપાસ, ધાસચારો સહિતના અન્ય પાકોનુ વાવેતર કર્યુ છે ત્યારે બીજી તરફ તાલુકામાં નહિવત વરસાદના લીધે પાકને પાણી-પિયતની જરૂરિયાત ઉભી થઈ છે. ત્યારે વીજ વિભાગ દ્વારા રાત્રિ સમયે વીજ પુરવઠો આપવામાં આવી રહ્યો છે. જેથી ખેડુતોને રાત્રિના સમયે ઉજાગરા, શિયાળામાં કડકડતી ઠંડી સહન કરી પાણી વાળવા મજબુર બનવુ પડી રહ્યુ છે. તો બીજી તરફ રાત્રિના સમયે જંગલી જાનવરોનો પણ ભય હોય છે.

જેથી ખેડુતોમાં રોષ ફેલાયો છે. જેના કારણે દિવસે વીજળી આપવામાં આવે તેવી ખેડુતો માંગ કરી રહ્યા છે ત્યારે અગાઉ તાલુકાના ખાંટા દાંતલા, કોયડમ, ડેભારી, ચીખલી, સહિતના ગમોના 200થી વધુ ખેડુતોએ એકત્ર થઈ વીજ કચેરીએ આવેદન પત્ર આપી રજુઆત કરી હતી. તેમ છતાં આજદિન સુધી વીજ પુરવઠો દિવસે આપવામાં નથી આવી રહ્યો. તાલુકાના ગામોમાં રાત્રિ સમયે જંગલી પ્રાણીઓઓ પણ ડર રહે છે. તેવામાં રાત્રિ સમયે અપાતો વીજ પુરવઠો જોખમી બની રહ્યો છે.